Mysamachar.in-જામનગર:
પરિમલ નથવાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) છે અને YSR કોંગ્રેસ પાર્ટીના સાંસદ તરીકે રાજ્ય સભામાં આંધ્ર પ્રદેશનું પ્રતિનિધત્વ કરી રહ્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીની કોર ટીમના સભ્ય એવા પરિમલ નથવાણીનો આજે જન્મદિવસ છે, રિલાયન્સના સ્થાપક ધીરુભાઈ અંબાણીને પોતાના ગુરુ અને આદર્શ માને છે. પરિમલભાઈની કોઠાસૂઝ અને કોઈ પણ સમસ્યામાંથી ત્વરિત ઉકેલ શોધવાના કૌશલ્યને જાણવું હોય તો ગુજરાતના જામનગર સ્થિત દુનિયાની સૌથી મોટી રિફાઈનરી જ જોઈ લો.
રિલાયન્સના સ્વપ્નદૃષ્ટા સ્વ. ધીરુભાઈ અંબાણીની પરિકલ્પનાને સાકાર કરવા અતિઆવશ્યક એવા જામનગરના જમીન સંપાદનના અશક્ય ટાસ્કને પરિમલભાઈ બખૂબી પાર પાડી ચૂક્યા છે. એટલું જ નહીં, રિલાયન્સ પેટ્રોલિયમના રિટેલ આઉટલેટ્સ, રિટેલ સાહસોની સ્થાપના, ગેસ ટ્રાન્સપોર્ટેશન પાઈપલાઈન બિછાવવી કે પછી પશ્ચિમના રાજ્યોમાં જિયો મોબાઈલનું નેટવર્ક સ્થાપિત કરવાનું હોય, પરિમલભાઈ નથવાણીએ આ બધા ટાસ્ક આડેના અવરોધોને આગવી સૂઝબૂઝથી દૂર કર્યા છે. અત્યારે તેઓ ગુજરાતમાં રિલાયન્સના સૌર ઊર્જા, પવન ઊર્જા અને ગ્રીન હાઇડ્રોજન સહિતના ન્યૂ એનર્જી વ્યવસાયનું સુકાન સંભાળી રહ્યા છે.
જૂન 2020માં આંધ્રપ્રદેશમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા પહેલાં તેઓ સતત બે ટર્મ (2008થી 2020 સુધી) ઝારખંડમાંથી રાજ્યસભાના અપક્ષ સાંસદ રહી ચુક્યા છે. સંસદ આદર્શ ગ્રામ યોજના (એસએજીવાય), ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા વગેરે ક્ષેત્રોમાં પરિમલભાઈ નથવાણીએ ઉમદા કામગીરી કરી છે જેનું નિરૂપણ રાંચી સ્થિત ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દૈનિકે રિલિઝ કરેલા બે પુસ્તક ‘ઝારખંડ મેરી કર્મભૂમિ (હિન્દી)’ તથા ‘એડોરેબલ એન્ડ એડમાયરેબલ પરિમલ નથવાણી’માં સુપેરે કરાયું છે.
ઝારખંડમાં પોતાની સતત બે ટર્મ (12 વર્ષ) દરમિયાન નથવાણીએ કરેલા લોકોપયોગી કાર્યોને આજે પણ ત્યાંની જનતા યાદ કરે છે. તેનું એકમાત્ર કારણ એ છે કે તેમણે સાંસદ તરીકે પોતાને મળતા ફંડ (MPLAD)નો 100 ટકા ઉપયોગ સાંસદ આદર્શ ગ્રામ યોજના (SAGY), ગ્રામીણ માળખાગત સુવિધાઓ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વગેરે માટે કર્યો હતો. SAGY અંતર્ગત તેમણે દત્તક લીધેલા ત્રણ ગામ બરામ-જરાટોલી, ચુટ્ટુ અને બરવાડાગમાં કરેલા વિકાસ કાર્યો રાજ્યમાં માત્ર વખણાયા જ નથી, પરંતુ અનુકરણીય પણ બની રહ્યા છે.
ઓક્ટોબર 2019 સુધી ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (GCA)ના ઉપાધ્યક્ષ તરીકે સેવાઓ આપનારા પરિમલ નથવાણીનું અમદાવાદમાં મોટેરા ખાતે બનેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમના નિર્માણમાં પણ અનેરું યોગદાન છે. આ ભગીરથ પ્રોજેક્ટના સંપૂર્ણ કાર્યનું તેમણે સફળતાપૂર્વક નિરીક્ષણ અને અમલીકરણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમને પાયાથી ઊભું કરવાનું કાર્ય નથવાણીએ GCAના પૂર્વ પ્રમુખ અને ભારતના ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન અને ગાઢ સહયોગ સાથે સંપન્ન કર્યું હતું.
ગુજરાત સરકારના વિવિધ બિઝનેસ ડેલિગેશન્સના સભ્ય તરીકે પરિમલ નથવાણીએ ચીન, જાપાન, રશિયા, સાઉથ કોરિયા, સ્વિત્ઝર્લેન્ડ, યુગાન્ડા, કેન્યા, અસ્ત્રાખાન સહિતના ડઝનેક દેશોનો પ્રવાસ ખેડ્યો છે અને વાઇબ્રન્ટ ગુજરાત રોડ શોમાં ભાગ લીધો છે. તેના કારણે તેમને વિશ્વના બિઝનેસ લીડર્સ સાથે સંવાદ સાધવાની પણ તક સાંપડી હતી.
પરિમલભાઈ સતત 15 વર્ષ સુધી ગુજરાતના દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ રહ્યા હતા. ગુજરાત સરકાર સાથે સાયુજ્ય સાધીને તેમણે રિલાયન્સના પ્રતિનિધિ તરીકે પવિત્ર નગરી દ્વારકાના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. નથવાણી સતત 11 વર્ષથી નાથદ્વારા મંદિર બોર્ડના પણ સભ્ય છે – આ બોર્ડ રાજસ્થાનમાં આવેલા પુષ્ટિ માર્ગીય શ્રીનાથજી મંદિરના વહીવટનો કાર્યભાર સંભાળે છે.
હાલ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (GSFA)માં અધ્યક્ષ તરીકે નથવાણી ગુજરાતમાં ફૂટબોલની રમતને વેગ આપવામાં પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે. તેઓ ગુજરાતમાં મક્કમતાથી ફૂટબોલની રમતનો પાયાના સ્તરથી વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે.
પરિમલ નથવાણી વન્યજીવન માટે ખૂબ જ ઉત્સાહી છે, ખાસ કરીને ગીરના સિંહો માટે. વિશ્વમાં એકમાત્ર ગીરમાં જ જોવા મળતાં એશિયાટિક સિંહોના જતન અને સંવર્ધન માટે તેમણે ઘણાં કાર્યો કર્યા છે. એશિયાટિક સિંહોના જાજરમાન ગૌરવનો દુનિયા સાથે પરિચય કરાવવા તેમણે ‘ગીર લાયનઃ પ્રાઇડ ઓફ ગુજરાત’ અને ‘કોલ ઓફ ધ ગીર’ નામના બે સમૃદ્ધ પુસ્તક તૈયાર કરાવ્યા છે. આ સાથે પરિમલ નથવાણીએ એશિયાટીક સિંહો પર ‘ધ પ્રાઇડ કિંગ્ડમ’ નામે એક વિડિયો ડોક્યુમેન્ટરી પણ પ્રસિધ્ધ કરી છે, જે યુટ્યુબ સહિતના સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.
પરિમલ નથવાણીએ ઘણાં લાંબા સમય સુધી ધીરુભાઈ સાથે ખૂબ જ નજીકથી કામ કર્યું હતું. ધીરુભાઈની વિચારસરણી, કામ કરવાની ઢબ, સંબંધો જાળવવાની કુનેહ, વ્યાવસાયિક દૂરંદેશી, કામ પ્રત્યેની પ્રતિબધ્ધતા, નવું જાણવા અને વિચારવાની ખેવના, નવી ટેકનોલોજી અને યુવાનો પરનો વિશ્વાસ, વગેરે અનુભવોને શબ્દોમાં કંડારતા નથવાણીએ સપ્ટેમ્બર 20223માં “એકમેવ… ધીરુભાઈ અંબાણી” પુસ્તક પ્રકાશિત કર્યું હતું. આ પુસ્તકમાં ધીરુભાઈ અંબાણીના વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓ, જેમ કે એક વિચારક, એક ઉદ્યોગ સાહસિક, એક સ્વપ્નદૃષ્ટા, પરિવારના મોભી, એક રોલ મોડલ, વગેરેને સુપેરે આવરી લેવાયાં છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ ડી. અંબાણીએ આ પુસ્તકની પ્રસ્તાવના લખી છે. આ સાથે જ લોહાણા સમાજનું ઘરેણું એવા પરિમલભાઈ નથવાણીને my samachar.in પરિવાર વતી જન્મદિવસની ખુબ શુભકામનાઓ