Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
સમગ્ર રાજ્યમાં વિશાળ દરિયાકાંઠો ધરાવતા અને પાકિસ્તાનની દરિયાઈ સરહદથી ખૂબ જ નજીક આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા 22 ટાપુઓ પૈકી નિર્જન અને સંવેદનશીલ એવા ટાપુઓ પરથી વર્ષો અગાઉ અનધિકૃત પ્રવૃત્તિ તેમજ હિલચાલના બનાવ પ્રકાશમાં આવ્યા હતા. ત્યારે રાજ્ય સરકાર દ્વારા અપનાવવામાં આવેલા કડક અભિગમ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા અહીંના મહત્વના એવા દરિયા કિનારા વિસ્તારમાં કોમ્બિંગ કાર્યવાહી કરાવી હતી
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા સંવેદનશીલ એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયા કિનારા નજીક આવેલા નિર્જન ટાપુઓ કે જ્યાં કોઈ પણ અવરજવર કે પ્રવૃત્તિની સધન પ્રતિબંધિત છે, ત્યારે અહીંથી કોઈ અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર કે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ ન કરવામાં ન આવે તે હેતુથી જુદા જુદા વિસ્તારમાં આવેલા નિર્જન ટાપુઓ પર દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સીધી દેખરેખ હેઠળ સધન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ડો. હાર્દિક પ્રજાપતિ સાથે ડીવાયએસપી સાગર રાઠોડ, એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. પ્રશાંત સીંગરખીયા દ્વારા આયોજનબદ્ધ રીતે દરિયાઈ વિસ્તારમાં આવેલા અલગ અલગ ટાપુઓ પર એસ.ઓ.જી. વિભાગ, મરીન ટાસ્ક ફોર્સ અને ઓખા મરીન પોલીસની ટીમએ એસ.આર.ડી.ના જવાનોને સાથે રાખીને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સમગ્ર પોલીસ કામગીરીના ડ્રોન વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા પ્રથમ વખત કરવામાં આવેલી આ પ્રકારની કડક અને નોંધપાત્ર કાર્યવાહી જિલ્લાના નગરજનોમાં આવકારદાયક બની રહી છે.