Mysamachar.in-જામનગર:
જામનગરમાં નૌકાદળના એક નિવૃત જવાનને બે ભેજાબાજ શખ્સોએ રૂ. 1.81 કરોડનો ચૂનો લગાવી દીધો હોવાની ફરિયાદ દાખલ થઈ છે, જે પૈકી રૂ. ત્રીસેક લાખની રકમ સાયબર ક્રાઈમ બ્રાંચે ફરિયાદીને પરત અપાવી હોવાનું પણ જાહેર થયું છે. જો કે હાલ આ ચીટરો પોલીસની પહોંચ બહાર હોવાનું જાણવા મળેલ છે.
જામનગર સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદ અનુસાર, આ ફરિયાદીએ પોતાના દ્વારકેશ કોમ્પ્લેક્ષ, વિશાલ હોટેલ પાસે આવેલાં ફલેટમાંથી આ ચીટરોનો ફોન મારફતે સંપર્ક થયો હતો. આરોપી ચીટરોએ આ ફરિયાદીની સાથે છેતરપિંડી આચરવા ઈન્વેસ્ટમેન્ટ માટેનો અને તોતિંગ વળતરનો ખેલ રચ્યો હતો. એક સમયે તો આ ચીટરોએ ફરિયાદીના ઈન્વેસ્ટમેન્ટ એકાઉન્ટમાં રૂ. 11 કરોડ જેવી રકમ જમા દેખાડી દીધી ! ફરિયાદીએ આશ્ચર્ય અનુભવી એવો વિચાર કર્યો કે, આપણને લોટરી લાગી ગઈ છે.
આ ગુનાના આરોપીઓ જતીન વર્મા અને CAUSEWAY એપ્લિકેશનના મેનેજર હોવાનો દાવો કરનાર રાજલાલ વસાણી નામના બે શખ્સો આ ફરિયાદીની જીવનભરની મૂડી સફાચટ કરી ગયા છે, એમ જણાવી સાયબર ક્રાઈમ બ્રાંચના પી.આઈ. એ.આઈ.ધાસુરા Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં ઉમેરે છે કે, આ શખ્સો ભારત બહારના કોઈ એકાઉન્ટ મારફતે આ ફરિયાદી સાથે ધોખાઘડી આચરતા હતાં. આ ચીટરો આ ઈન્વેસ્ટમેન્ટ પ્લાનમાં ફરિયાદીને જે રકમ જમા આપતાં હતાં તે રકમો ભારતના અલગ-અલગ રાજ્યમાં ફરિયાદીના એકાઉન્ટમાં જમા દેખાડવામાં આવતી હતી. આ રકમનો કુલ આંકડો અગિયાર કરોડ જેટલો દેખાડવામાં આવ્યો ત્યાં સુધીમાં આ ફરિયાદી આ જાળમાં ફસાઈ પોતાની રૂ. 1.81 કરોડની મરણમૂડી ભરોસામાં આવી જઈ આ ચીટરોને હવાલે કરી ચૂક્યા હતાં !
ફરિયાદીનું નામ ગજેન્દ્રગીરી હરનામગીરી ગોસ્વામી (55) છે અને નિવૃતિ અગાઉ તેઓ ભારતીય નેવીમાં સૈનિક તરીકે ફરજ બજાવતા હતાં. આ પ્રકરણના ચીટરોએ વિવિધ વોટ્સએપ ગ્રૂપ, નંબરો અને બેંક ખાતાંઓ વગેરેની જાળ રચી CAUSEWAY નામની એક એવી ફેક એપ્લિકેશન બનાવી હતી, જે ભારતમાં SEBI માન્ય અને અમેરિકન સ્ટોક એક્સચેન્જમાં પણ રજિસ્ટર્ડ થયેલી છે એવું ઓનલાઈન જાહેર કરવામાં આવેલું. આ એપ્લિકેશનની મદદથી આરોપીઓએ આ આખું કાવતરૂં પાર પાડ્યું એમ ફરિયાદીએ કહ્યું છે.
આ કાવતરૂં 5 સપ્ટેમ્બરથી 30 ઓક્ટોબર-2024 દરમિયાન પાર પાડવામાં આવેલું જેમાં ફરિયાદ હવે થઈ છે. શેરમાં નાણાં રોકી તોતિંગ વળતર મેળવવાની લાલચે આ ફરિયાદી માટે મોટી ઉપાધિ આવી પડી છે. રોકાણમાં વળતર તો દૂરની વાત રહી, શેર વેચાણનો નફો તથા ભરેલી મૂડી પણ આ રોકાણકારે ગુમાવી દીધી ! લાલચ બૂરી બલા હૈ- આ હકીકત વધુ એક વખત આ કિસ્સામાં લાગુ પડી હોવાનું દેખાઈ રહ્યું છે.