Mysamachar.in-અમદાવાદ:
કોરોનાકાળમાં શરૂઆતના દિવસોમાં સૌ જે પ્રકારનો અનુભવ અને અહેસાસ કરી રહ્યા હતાં, તે પ્રકારનું વાતાવરણ ધીમે ધીમે દુનિયાની માફક ભારત અને ગુજરાતમાં પણ ઉભરી રહ્યું છે. પ્રથમ ચીનમાં, બાદમાં અન્ય 17 દેશોમાં, પછી ભારતમાં અને હવે ગુજરાતમાં HMPV વાયરસ ચર્ચાઓમાં આવી ચૂક્યો છે. જો કે, ભારત સરકારે 3 જાન્યુઆરીએ એમ જાહેર કરેલું કે, આપણે ત્યાં ચિંતાઓ નથી. સ્થિતિઓ પર નજર રાખવામાં આવી રહી છે.
ગુજરાતમાં આરોગ્ય વિભાગે જાહેર કરેલી ગાઈડલાઈન કહે છે: HMPV નામનો આ વાયરસ સામાન્ય રીતે શિયાળામાં, નાના બાળકો અને વૃદ્ધોમાં દેખાતો હોય છે. તેના લક્ષણો સામાન્ય શરદી અને ફ્લૂ જેવા હોય છે. વધુમાં કહેવાયું છે: રાજ્યમાં શ્વસનતંત્ર સંબંધિત ચેપી રોગોની માહિતીઓનું એનાલિસિસ કરવામાં આવ્યું છે. ડિસેમ્બર-2023ની સરખામણીએ ડિસેમ્બર-2024માં કોઈ નોંધપાત્ર વધારો જોવા મળેલ નથી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કહે છે: જૂનો વાયરસ છે, 2001થી છે.
દરમિયાન, અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં આ HMPV વાયરસનો એક શંકાસ્પદ કેસ દાખલ થયો. બે મહિનાનું બાળક છે. આરોગ્ય ગાઈડલાઈન તૈયાર થઈ તેના ગણતરીના કલાકોમાં કેસ પણ દાખલ થઈ ગયો. આ પ્રકારની પેટર્ન કોરોના સમયે પણ સૌએ જોઈ હતી. ત્યારે પણ, શરૂઆતમાં મોટા શહેરોમાં અને ત્યારબાદ નાના શહેરોમાં કોરોના કેસની જાહેરાતો થતી હતી. આ વખતે પ્રથમ કર્ણાટક અને બીજા ક્રમે ગુજરાતમાં આ કેસની જાહેરાત થઈ છે. આ ટ્રેન્ડ સાંજ સુધીમાં આગળ વધી શકે છે! આરોગ્ય વિભાગે ઠંડીની આ સિઝનમાં લોકોએ શું કરવું, શું ના કરવું, શરદી તથા ફ્લુ બાબતે તથા નાના બાળકો અને વૃદ્ધોની કેવી રીતે કાળજી લેવી- એ ગાઈડલાઈન જાહેર કરી દીધી.