Mysamachar.in-અમદાવાદ:
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ સંબંધે વડી અદાલતમાં જાહેર હિતની એક સુઓમોટો અરજીની સુનાવણીઓ ચાલી રહી છે. આ ઉપરાંત અમદાવાદના એક વકીલ દ્વારા, આ બાબતે થયેલી રિટની પણ સુનાવણી સાથે ચાલી રહી છે. આ સુનાવણી દરમિયાન વડી અદાલતે રાજ્યના ફાયર વિભાગના એક ઉચ્ચ અધિકારીને આદેશ આપ્યો છે કે, રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં ફાયર વિભાગમાં જે જગ્યાઓ ખાલી છે, તે જગ્યાઓ ક્યારે ભરવામાં આવશે, તેની સમયરેખા અદાલત સમક્ષ મૂકો. વડી અદાલતના આ આદેશને કારણે હવે આ ખાલી જગ્યાઓ પર નિમણૂંકો આપવાની પ્રક્રિયાઓ તેજ બનશે. એટલાં પ્રમાણમાં રાજ્યભરમાં આ વિભાગ વધુ સક્ષમ બની શકશે.
વડી અદાલતમાં આ સુનાવણી દરમિયાન, રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના મામલામાં રાજકોટના અગાઉના બે મ્યુ. કમિશનરોની જવાબદારીઓ સંબંધિત કાર્યવાહીઓ પર અદાલતે બ્રેક લગાવી દીધી છે. આ નિર્ણય પર આવતા અગાઉ વડી અદાલતે આ કાંડ સંબંધિત તમામ રેકર્ડ જોયું હતું. વડી અદાલતના આ નિર્ણયથી, હાલ આ બંને પૂર્વ કમિશનરોને રાહત મળી ગઈ છે.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, અદાલતના અગાઉના નિર્દેશ અનુસાર, આ બે કમિશનર અમિત અરોરા અને આનંદ પટેલએ અદાલતમાં સોગંદનામાઓ મારફતે માફી માંગી લીધી હતી. જો કે, વડી અદાલતે કહ્યું છે કે, રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના પીડિતોને વળતરનો મુદ્દો હજુ જીવંત રાખવામાં આવશે. આ ઉપરાંત સુઓમોટો તથા રિટ અરજીની સુનાવણીઓ આગામી મહિને ડિસેમ્બરમાં યોજવામાં આવશે, એમ પણ અદાલતે કહ્યું.