Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતી પંચાગના આખરી માસ આસો માસના પંદર દિવસ વીતી ચૂક્યા છે, ખરેખર તો આ દિવસોમાં આછેરી અને મનમોહક ઠંડક શરૂ થઈ ગઈ હોય, તેને બદલે આપણે સૌ વરસાદ પહેલાંનો ઉકળાટ અને વરસાદ બાદનો બફારો- એમ બંને પ્રકારની ગરમીનો અહેસાસ કરી રહ્યા છીએ. બીજી તરફ હળવો વરસાદ પણ વરસી રહ્યો છે અને ત્રીજી તરફ, હવામાન વિભાગ એવી આગાહીઓ આપે છે કે, હજુ ચારેક દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં ગમે ત્યાં અથવા એક કરતાં વધુ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસી શકે છે.
અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ છેલ્લા કેટલાંક દિવસથી નોંધાઈ રહી છે અને હવામાન વિભાગ કહે છે, આ સિસ્ટમ ડેવલપ થવા તરફ આગળ વધી રહી છે. આથી રાજ્યમાં વરસાદની સંભાવનાઓ છે. આગાહીઓ જણાવે છે કે, સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાઓમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં પણ વરસાદની આગાહીઓ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓના વિવિધ પંથકમાં પાછલાં 4 દિવસથી હળવો વરસાદ નોંધાઈ રહ્યો છે. આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલા 24 કલાક દરમિયાન કાલાવડ તાલુકામાં 1 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.