Mysamachar.in:જામનગર
જામનગરને દરેક પ્રકારના જૂગાર સાથે એક અજીબ નાતો છે, શહેરમાં એવા અસંખ્ય શખ્સો છે, જેમનો મુખ્ય બિઝનેસ જ જૂગાર છે. બપોરે બાર-એક વાગ્યે જેમનો સૂર્યોદય થતો હોય એવા કેટલાંય શખ્સો જામનગરની ‘અસામાજિક’ આલમની રોનક છે- આવા વધુ 4 જૂગારીઓ ઝડપાઈ ગયા હોવાનું જાહેર થયું છે. આ શખ્સો ક્રિકેટનો સટ્ટો તથા શેરબજારનો ડબ્બો સાથે ચલાવતા હતાં અને એ પણ ભાડાના મકાનમાં, આ કાંડમાં જામનગરની નીલકમલ સોસાયટી ઉપરાંત દ્વારકા જિલ્લાનું મીઠાપુર અને ગોવા તેમજ દૂબઈના નામો પણ ગાજયા છે.
જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મામલે કુલ 11 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે, જે પૈકી 7 શખ્સોની ધરપકડ થઈ શકી નથી. ખંભાળીયામાં રામમંદિર નજીક ચા ની હોટલ ચલાવતો શખ્સ દર્શન દિલીપભાઈ મોદી જામનગરમાં નીલકમલ સોસાયટીમાં, શેરી નં. 1 માં શોભનાબેન ત્રિવેદીના મકાનમાં વસવાટ કરે છે. આ શખ્સ કેટલાંક શખ્સોની સાથે આ મકાનમાં ક્રિકેટનો સટ્ટો અને અન્ય કેટલાંક શખ્સો સાથે શેરબજારનો ડબ્બો ચલાવી રહ્યો છે, એવી બાતમીના આધારે પોલીસે દર્શન મોદી સહિતના કુલ 4 શખ્સોને ઉપાડી લીધાં છે, ધરપકડ થયેલાં અન્ય 3 ના નામો હાર્દિક બિપીનભાઈ મૈઢ (નવાગામ ઘેડ), પાર્થ સંજયભાઈ ત્રિવેદી (નીલકમલ સોસાયટી, શેરી નં. 1) અને વિહાર વેજાભાઈ આગઠ (ક્રિષ્ના એપાર્ટમેન્ટ, પીરની દરગાહ પાસે) છે.
આ ઉપરાંત આ ફરિયાદમાં યાસીન મીઠાપુર, વિકી ગોવા, વિશાલ પોરબંદર- હાલ દૂબઈ, ચિરાગ સુરેશભાઈ આહિર, સાગર મુંબઈ, અંકિત રાજકોટ અને નીલુ નામના કુલ 11 આરોપીઓના નામો મોબાઇલ નંબરો સાથે જાહેર થયા છે. આ મકાનમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેના ક્રિકેટ મેચ પર સટ્ટો ખેલાતો હતો. આ ઉપરાંત શેરબજાર સંબંધિત એક એપના માધ્યમથી ડબ્બા ટ્રેડિંગ પણ કરવામાં આવતું હતું. પોલીસે આ ‘અડ્ડા’માંથી રૂ. 31,390 તથા 16 નંગ મોબાઇલ, 2 ચેકબુક અને 1 લેપટોપ અને એક ફોર વ્હીલર અને બે મોટરસાયકલ મળી કુલ રૂ. 8,36,890 નો મુદ્દામાલ કબજે લીધો છે. PSI એન.પી.જોષી આ સમગ્ર કુંડાળાઓનો તાગ મેળવી રહ્યા છે.