Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
યાત્રાધામ બેટદ્વારકાનો પ્રદૂષણ મામલો કાલે મંગળવારે હાઈકોર્ટમાં ચર્ચાયો હતો. જેમાં સ્થાનિક સત્તાવાળાઓને પક્ષકાર તરીકે જોડવા અદાલતે જણાવ્યું છે અને આ મામલાની સુનાવણી હવે 15 દિવસ બાદ થશે. અમદાવાદના એડવોકેટ અમિત પંચાલે જૂનાગઢના ગિરનાર પર્વત પર પ્લાસ્ટિક કચરો તથા ગંદકી મુદ્દે રાજ્યની વડી અદાલતમાં અગાઉ જાહેર હિતની અરજી દાખલ કરેલી છે, જેની કાલે મંગળવારે સુનાવણી હતી. આ સુનાવણી દરમિયાન અરજદાર વકીલે યાત્રાધામ બેટ દ્વારકાના પ્રદૂષણનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને યાત્રાધામો દ્વારકા તથા બેટ દ્વારકા અને આ પંથકના દરિયામાં છોડવામાં આવતા કેમિકલ યુક્ત પાણીના મુદ્દે સ્થાનિક સત્તાવાળાઓને પક્ષકાર બનાવવા વડી અદાલતમાં સુધારા અરજી દાખલ કરી હતી.
અરજદારપક્ષ તરફથી બેટ દ્વારકામાં પ્લાસ્ટિકના કચરાનું પ્રદૂષણ અને દ્વારકાના દરિયામાં છોડવામાં આવતા કેમિકલ યુક્ત પાણીનો મુદ્દો રજૂ કરી, આ અંગેનું મટીરીયલ્સ અને ફોટોગ્રાફસ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતાં અને આ સમગ્ર મામલે અદાલતનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. અરજદારે પોતાની સુધારા અરજીમાં આ મુદ્દે સરકારના સત્તાવાળાઓ અને સ્થાનિક સત્તાધીશોને આદેશ આપવા દાદ માંગી હતી. અદાલતે આ અરજીની કોપી પક્ષકારોને આપવા અરજદારને જણાવ્યું હતું અને આ કેસની હવે પછીની સુનાવણી બે સપ્તાહ બાદ મુકરર કરી હતી.(ફાઈલ તસ્વીર)