Mysamachar.in-ગાંધીનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં દશામા વ્રતની ધામધૂમથી ઉજવણીઓ થઈ રહી છે. જાગરણ અને વ્રત પૂર્ણાહુતિ માટે પણ ભાવિકોમાં જબ્બર ઉમંગ જોવા મળી રહ્યો છે, એ દરમિયાન એક દુર્ઘટના પણ સર્જાઈ છે. આ કરૂણાંતિકા પાટનગર ગાંધીનગરની સાબરમતી નદીમાં બની છે.
કાલે મંગળવારે આખી રાત્રિ જાગરણ કર્યા બાદ, સેંકડો ભાવિકો આજે બુધવારે વહેલી સવારે વ્રતની પૂર્ણાહુતિ ઉજવી રહ્યા હતાં. આ દરમિયાન સાબરમતી નદીમાં સર્જાયેલી દુર્ઘટનામાં 3 નો ભોગ લેવાયો છે, જેમાં એક યુવાન, એક મહિલા અને એક કિશોરીનો સમાવેશ થાય છે.
સ્થાનિક અહેવાલ જણાવે છે કે, સાબરમતી નદીમાં દશામાની પ્રતિમાના વિસર્જન સમયે, એક કિશોરી ઉંડા પાણીમાં ગરકાવ થઈ રહી છે એવી જાણ થતાં, 4 વ્યક્તિઓ કિશોરીને બચાવવા પાણીમાં કૂદી હતી. આ ચારમાં એક મહિલા પણ હતી. આ બચાવ કામગીરીઓ દરમિયાન કિશોરીનો પતો ન લાગ્યો પરંતુ બચાવવા માટે કૂદેલાં ચાર પૈકી એક યુવાન અને એક મહિલા પણ ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા. બચાવવા કૂદેલાં ચાર પૈકી અન્ય બે પુરૂષને સ્થાનિક લોકોએ બચાવવા પડ્યા. તેઓ પણ ડૂબી રહ્યા હતાં. બાદમાં ફાયર બ્રિગેડની સ્થાનિક ટીમે નદીમાંથી 3 મૃતદેહ બહાર કાઢ્યા.
આ 3 મૃતકોમાં 30 વર્ષીય અજય વણઝારા, 34 વર્ષના ભારતીબેન પ્રજાપતિ અને 12 વર્ષની, શરૂઆતમાં ડૂબેલી કિશોરી પૂનમ પ્રજાપતિનો સમાવેશ થાય છે. ગાંધીનગરમાં સેક્ટર 30 નજીક બનેલાં આ બનાવને કારણે સેંકડો શ્રધ્ધાળુઓમાં ગમગીની છવાઈ ગઈ છે. વહેલી સવારે ખુશીનો આ પ્રસંગ શોકમાં ઘેરાઈ ગયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, દર વર્ષે દશામા તથા ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન સમયે આ પ્રકારની દુર્ઘટનાઓ રાજયમાં વિવિધ વિસ્તારોમાં બની રહી છે, આવી બાબતોમાં તંત્રો અને ભાવિકોએ વધુ તકેદારીઓ દાખવવી પડશે.(symbolic image source:google)