Mysamachar.in-જામનગર:
જામનગરનો બ્રાસ ઉદ્યોગ વિશ્વ વિખ્યાત છે, બ્રાસ સિટી તરીકે જામનગર વિશ્વ પ્રસિદ્ધ છે, વર્ષે દહાડે અહીં અબજોનો ઉથલો થઈ રહ્યો છે, વિશ્વભરનો બ્રાસ સ્ક્રેપ અહીં જામનગરમાં ઠલવાઈ રહ્યો છે, અને જામનગરથી તૈયાર માલ અસંખ્ય દેશોમાં તથા ઘરઆંગણે દેશભરમાં વેચાણ થઈ રહ્યો છે, આમ છતાં અબજોના આ કારોબારમાં બધું જ વ્યવસ્થિત ચાલી રહ્યું છે, ક્યાંય કશું જ આડુંઅવળું બની રહ્યું નથી, એવી ‘છાપ’ ઉભી કરવામાં તમામ સંબંધિત તંત્રો અને સેંકડો ઉદ્યોગકારો સફળ રહ્યા છે, જે દર્શાવે છે કે- ગાંધીનગર અને દિલ્હીને પણ ‘સાધી’ લેવામાં સૌ સંબંધિતો સફળ રહ્યા છે.
જામનગર માટેના બ્રાસ ભંગારના હજારો કન્ટેનર કંડલા સહિતના બંદરો પર આવી રહ્યા છે, કંડલા અને જામનગર વચ્ચેનો કોસ્ટલ હાઈવે રાતદિવસ પીળા માલના વહનનો સાક્ષી છે, આમ છતાં જામનગર કે કચ્છમાં આ માલ સંબંધે કસ્ટમ, DRI કે GST જેવાં તંત્રો નિષ્ક્રિય હોય અથવા જે કામગીરીઓ થતી હોય તે જાહેર કરતાં ન હોય, એવી શાંતિ જોવા મળી રહી છે. જામનગરમાં આ ઉદ્યોગકારોને ત્યાં આવકવેરા વિભાગ સહિતના તંત્રો કયારેય ‘મહેમાન’ બન્યા હોવાનું બહાર આવતું નથી. તેથી લોકોને શંકાઓ એવી છે કે, અધિકારીઓ ખાનગીમાં બ્રાસ ઉદ્યોગની ‘મહેમાનનવાજી’ માણી રહ્યા હોય, એ શક્ય છે.
દરેક આયાત નિકાસમાં ઘણું ઘણું થતું રહેતું હોય, GST ચોરીનો, બોગસ બિલનો, input tax credit જમી સરકારની તિજોરીને કરોડોનો ચૂનો લગાવવાના- અબજો રૂપિયાના આંકડાઓ સમગ્ર ગુજરાતમાં, બધાં જ વેપાર ઉદ્યોગ ક્ષેત્રમાં બહાર આવી રહ્યા હોય ત્યારે, જામનગર બ્રાસ ઉદ્યોગમાં બધું જ ‘કાયદેસર’ ચાલી રહ્યું હોવાની ‘છાપ’ લોકોને શંકાઓ કરવા પ્રેરે છે.અગાઉ તો આ ઉદ્યોગમાં આવકવેરા વિભાગનો પણ ખૌફ હતો, છેલ્લા કેટલાંક વર્ષોથી આ ઉદ્યોગ IT વિભાગની કાર્યવાહીઓ તથા કામગીરીઓથી બચવામાં પણ સફળ રહ્યો છે અને બીજી તરફ શહેરમાં આવા તંત્રોની કચેરીઓ ‘તોતિંગ’ બની રહી છે ત્યારે લોકો એ પણ વિચારી રહ્યા છે કે, તંત્રોની આવડી મોટી ઓફિસો અને કામગીરીઓ કોઈ જ નોંધપાત્ર નહીં ! આમ કેમ ?!
ખરેખર તો આ તમામ તંત્રોએ લોકોની શંકાઓ અને આશંકાઓ દૂર કરવા ખાતર, થોડીઘણી કાર્યવાહીઓ અને કામગીરીઓ દેખાડવા થોડાં કાગળો, સરકારના અન્ય વિભાગો માફક ચિતરવા જોઈએ અને પોતે સિંહ છે, શિકાર કરી શકે છે, સરકારની તિજોરીને કમાણી કરાવી શકે છે, એવું દેખાડવા પૂરતી પણ ગર્જનાઓ કરવી જોઈએ, ત્રાડ પાડતાં રહેવું જોઈએ એવું લોકો રમૂજમાં કહી રહ્યા છે, તંત્રોએ લોકોની સેન્સ ઓફ હ્યુમર સમજી લેવી જોઈએ.