Mysamachar.in-ગાંધીનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાંક મહિનાઓથી ચાંદીપુરા રોગચાળો ભારે ચર્ચામાં છે. જે બાળકોને સરકારે ચાંદીપુરાના શંકાસ્પદ કેસ લેખાવ્યા હોય, તે પૈકીના 50 ટકા જેટલાં બાળકો ટપોટપ મોતને ભેટી રહ્યા છે, આ મૃત બાળકોને જો ચાંદીપુરા રોગ ન હતો તો, આ બાળકોના મોત શાથી થઈ રહ્યા છે ? એ પ્રશ્નનો જવાબ કયાંય પણ, કોઈના પણ દ્વારા જાહેર થતો નથી. ચાંદીપુરાના શંકાસ્પદ કેસ, ચાંદીપુરાના કન્ફર્મ કેસ, બાળદર્દીઓના આંકડા અને આ રોગમાં બાળકોના મોત- આ બધી જ બાબતો અંગે ગુજરાત સરકારે શું જાહેર કર્યું છે અને સંસદમાં એટલે કે લોકસભામાં કેન્દ્રની સરકારે શું કહ્યું ? આ બંને વિગતો આ મુજબ છે.
6 ઓગસ્ટ સુધીની વિગતો જાહેર થઈ છે. જેમાં ગુજરાત સરકાર કહે છે, કુલ કેસ 59 છે, અને બાળકોના મોતની સંખ્યા 27 છે. એટલે કે, આ રોગના અડધાં બાળદર્દીઓ મૃત્યુ પામે છે. ગુજરાત સરકાર વારંવાર કહે છે, રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ નિયંત્રણમાં છે.
ગુજરાતમાં ચાંદીપુરાના સૌથી વધુ કેસ 1 થી 5 વર્ષના વયજૂથના બાળકોના છે. આ વયજૂથમાં 33 બાળકો સંક્રમિત થયેલાં, જે પૈકી 12 બાળકોના મોત થયા છે. લોકસભામાં સરકારે કહ્યું: દેશમાં ચાંદીપુરાના 61 કેસ, 59 કેસ ગુજરાતમાં અને 2 કેસ રાજસ્થાનમાં. આ સાથે સરકારે એ પણ કબૂલાત કરી કે, છેલ્લા 20 વર્ષમાં ચાંદીપુરાથી આ સૌથી ચિંતાજનક સ્થિતિ છે.
ગુજરાત સરકાર રોજ ચાંદીપુરા અંગે હેલ્થ બુલેટીન જાહેર કરે છે. પરંતુ ચાંદીપુરાથી કેટલાં મોત થયા, એ આંકડા જાહેર કરતી નથી. સરકાર માત્ર ‘શંકાસ્પદ’ ચાંદીપુરાથી મોત એવા આંકડા જ જાહેર કરે છે. લોકસભામાં 6 ઓગસ્ટ સુધીના આંકડા જાહેર થયા. જેમાં ગુજરાતના આંકડા એવા છે કે, શંકાસ્પદ ચાંદીપુરાથી કુલ 71 બાળકોના મોત થયા. કેન્દ્ર સરકાર કહે છે, આ 71 પૈકી 27 બાળકોના મોત ‘ચાંદીપુરાથી જ’ થયા. અહીં પ્રશ્ન એ થાય કે, બાકીના 44 બાળકોના મોત શા કારણે થયા ?! (symbolic image source:google)