Mysamachar.in-ગાંધીનગર:
રાજ્ય સરકારે વનવિભાગની 800 ખાલી જગ્યાઓ માટે પરીક્ષા લીધી હતી, જેમાં રાજયભરમાંથી 4 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષાઓ આપી હતી. આ પરીક્ષાનું પરિણામ જાહેર થતાં જ, રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પરીક્ષા આપનારાઓ ઉમટી પડ્યા છે. તેઓની માંગ છે કે, કોમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ નાબુદ કરવામાં આવે.
આ ઉમેદવારોએ એવી માંગ કરી છે કે, આ પરીક્ષાના પરિણામમાં ઉમેદવારોને અન્યાય થયો હોય પરિણામની પીડીએફ જાહેર કરવામાં આવે. આ હજારો યુવાનો ગાંધીનગરમાં રામકથા મેદાન ખાતે ઉમટી પડ્યા છે. યુવાનો કહે છે, માર્કસ સાથેનું પરિણામ જાહેર થવું જોઈએ.
અત્રે ઉલ્લેખનિય છે કે, ઘણાં સમયથી રાજ્યમાં વિવિધ વિભાગોમાં જુદાં જુદાં સંવર્ગની પરીક્ષાઓ CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવે છે. આ પદ્ધતિ શરૂ કરવામાં આવેલી ત્યારે એમ કહેવાતું હતું કે, આ પદ્ધતિ પારદર્શી અને વિશ્વસનીય છે. પરંતુ છેલ્લે લેવામાં આવેલી ઘણી પરીક્ષાઓમાં આ પદ્ધતિનો ઉપયોગ છતાં છબરડા બહાર આવ્યા છે. આ ઢગલાબંધ છબરડાને કારણે ઉમેદવારોએ માંગ કરી છે કે, આ પરીક્ષા પદ્ધતિ રદ્દ કરો. સરકાર અને આ પરીક્ષાઓ લેનાર એજન્સી વચ્ચે સંકલનનો અભાવ હોય, અનેક છબરડા થઈ રહ્યા હોવાનો આ હજારો ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે.