Mysamachar.in-જામનગર:
જામનગરના સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં કાલે બુધવારે બપોરે એક મહિલાએ એવી ફરિયાદ દાખલ કરાવી છે કે, કોઈ ગઠિયાઓએ તેણીને દમદાટી આપી તેણીના બેંક એકાઉન્ટમાંથી રૂ. 15 લાખ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધાં છે. આ ગુનો જૂન મહિનામાં બન્યો હતો, જેની ફરિયાદ હવે દાખલ થઈ છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ શેરી નંબર 58માં રહેતાં વર્ષાબેન રમણિકલાલ સોલંકી (58), જાતે કંસારાએ પોલીસમાં એમ જાહેર કર્યું છે કે, ગત્ 20-21 જૂન દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ આ ફરિયાદી મહિલાને અલગઅલગ બે મોબાઇલ નંબર પરથી વોટ્સએપમાં વીડિયો કોલ કરી, પોતાની ઓળખ કસ્ટમ અધિકારી તરીકે અને પોલીસ અધિકારી તરીકે આપી, ફરિયાદી વર્ષાબેન સાથે વાતો કરેલી.
ફરિયાદી મહિલાના જણાવ્યા અનુસાર, આ શખ્સોએ ફોનમાં એમ કહેલું કે- તમારાં નામે આવેલાં પાર્સલમાંથી 4 ક્રેડિટ કાર્ડ અને 170 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું છે. આ ઉપરાંત આ શખ્સોએ એમ કહેલું કે, વર્ષાબેન નામનું જે આધારકાર્ડ છે તેના આધારે કર્ણાટક, દિલ્હી,પંજાબ, તામિલનાડુ અને મહારાષ્ટ્ર રાજયમાં જુદી જુદી બેંકોમાં ખાતાં ખૂલેલા છે. આ ઉપરાંત તમારૂં આધારકાર્ડ મની લોન્ડરીંગ અને હ્યુમન ટ્રાફિકીંગના ગુનાઓમાં ઉપયોગમાં લેવાયું છે.
ફરિયાદી મહિલા કહે છે, મને આટલી ડરાવી દીધાં પછી આ શખ્સોએ એમ કહ્યું કે, તમે કોઈ ગુનામાં સંડોવાયેલા નથી એવું સર્ટિફિકેટ મેળવવા તમારે નાણાં ભરવા પડશે અને આ નાણાં બાદમાં તમને પરત મળી જશે. બાદમાં આ શખ્સોએ આ કહેવાતા સર્ટિફિકેટ માટે ફરિયાદીના સ્ટેટ બેન્ક એકાઉન્ટમાંથી રૂ. 15,00,000 અન્ય કોઈ ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધાં હતાં અને આ રીતે ઠગાઈ આચરી હતી, એવું વર્ષાબેન રમણિકલાલ સોલંકીએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં જાહેર કર્યું છે. પોલીસ ઈન્સ્પેક્ટર એચ.વી.રાઠોડના માર્ગદર્શન મુજબ આ મામલાની તપાસ ચાલી રહી છે. પોલીસે વિવિધ કલમો અંતર્ગત ઓનલાઈન ઠગાઈ કરનાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.(symbolic image source:google)