Mysamachar.in-જામનગર:
જામનગરમાં સરૂ સેક્શન રોડ નજીક આવેલાં આવાસના સામેના ભાગમાં બે પ્રૌઢે એક કારમાં બેસી સાથે જ ઝેરી દવા ગટગટાવી લીધી હોવાનું જાહેર થતાં ચકચાર મચી ગઈ છે, આ બંને વ્યક્તિઓને હાલ જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હોવાનું આ બે પૈકી એક વ્યક્તિના ભાઈએ જણાવ્યું છે.
આજે સવારે એવું જાહેર થયું કે, શહેરના સરૂ સેક્શન રોડ નજીક આવેલાં સરલાબેન ત્રિવેદી આવાસના સામેના ભાગમાં ઉભેલી એક કારમાં આશરે 50-55 વર્ષની ઉંમરની બે વ્યક્તિઓએ એકસાથે ઝેરી દવા ગટગટાવી લીધી. આ અંગે કોઈને જાણ થતાં, 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવેલી અને આ બંને વ્યક્તિઓને સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવી.
આ બનાવ અંગે, ચંદુભાઈ ભીખુભાઈ ધોકિયાએ એમ કહ્યું છે કે, મારાં ભાઈ અશોકભાઈ ભીખુભાઈ ધોકિયા અને તેમની સાથે 10-12 વર્ષથી બાંધકામ વ્યવસાયમાં સંકળાયેલા પરબતભાઈ કાનાભાઈ ગોજિયાએ જામનગરમાં એકસાથે ઝેરી દવા પી લીધાંની ખબર મને મળી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, આ બંને વ્યક્તિઓ રાજકોટ ખાતે વસવાટ કરે છે. અને, ચંદુભાઈએ વધુમાં એમ જણાવ્યું કે, કોઈ આર્થિક કારણસર આ બનાવ બન્યાનું ધ્યાન પર આવ્યું છે. હાલમાં આ બંને વ્યક્તિઓને જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જામનગર પોલીસ ચંદુભાઈ ધોકિયાના નિવેદનના આધારે બનાવનું ખરૂં કારણ જાણવા તથા આ બંને ધંધાર્થીઓ રાજકોટથી જામનગર શા માટે અને ક્યારે આવ્યા હતાં ? વગેરે બાબતોની ચકાસણીઓ કરી રહી છે.