Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતમાં ઘણાં લાંબા સમયથી પોલીસ ભરતીઓનો મુદ્દો વડી અદાલતમાં ચર્ચાઈ રહ્યો છે. રાજ્યનો ગૃહવિભાગ, સરકાર અને આ કામગીરીઓ સંભાળતા વકીલોને વડી અદાલતમાં વારંવાર એટલા બધાં ઠપકા સાંભળવા પડે છે કે, આ મુદ્દે સરકાર અદાલતમાં જાણે કે, ‘આરોપી’ હોય એવી હાલત થઈ ગઈ છે. વધુ એક વખત, વડી અદાલતે સરકારને અતિ કડક શબ્દોમાં ખખડાવી છે.
ગુજરાત હાઇકોર્ટમાં કોમી તોફાનો દરમિયાન જાહેર મિલકતોને નુકસાન અને જાનમાલને થતા નુકસાન અટકાવવામાં પોલીસની ભૂમિકાઓ સહિતના મુદ્દે સુઓમોટો સુનાવણીઓ ચાલી રહી છે. આ દરમિયાન પોલીસ ભરતીઓ બાબતે વડી અદાલતે સરકારને સીધો જ અને પોઈન્ટ બ્લેન્ક સવાલ કર્યો હતો. અદાલતે સ્પષ્ટ રીતે કહ્યું: પોલીસની સીધી ભરતીઓની પ્રક્રિયા અંગે તમે શું કરી રહ્યા છો, એ વાત કરો. અદાલતને બીજું કશુ સાંભળવું નથી. ભરતીઓ ક્યારે કરશો, એ સ્પષ્ટ જવાબ આપો, નહિતર હવે અદાલત આ સમગ્ર મામલે સરકાર વિરુદ્ધ અદાલતના તિરસ્કારની કાર્યવાહીઓ હાથ ધરશે.
હાઈકોર્ટમાં આ જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રવીણ ત્રિવેદીની ખંડપીઠે રાજ્યમાં પોલીસ ભરતી અને બઢતી અંગેની સરકારની નીતિને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા હતાં. વડી અદાલતે સરકારની આ મુદ્દે બેવડી નીતિ અને ધોરણો પરત્વે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી.
252 પોલીસ અધિકારીઓની બઢતીનો એક અન્ય મામલો પણ આ સુનાવણી દરમિયાન હાથ પર લેવામાં આવ્યો હતો. અલગ પોલીસ ભરતી બોર્ડ હોવા છતાં આવા મામલામાં જીપીએસસીની મંજૂરીઓ શા માટે લેવી પડે છે? એ પ્રશ્ન પણ વડી અદાલતે પૂછ્યો હતો.
વડી અદાલતે સરકારને એવી પણ ગંભીર ટકોર કરી હતી કે, જો સરકારને જરૂર જણાય તો તે અન્ય રાજ્યોના પોલીસ ભરતીઓના નિયમો અને જોગવાઈઓની પણ સમીક્ષા કરી શકે છે. કારણ કે, પોલીસ ભરતી અને બઢતીના મામલામાં ગંભીરતા રાખી ઝડપથી કાર્ય થાય તે બહુ આવશ્યક હોય છે. જો કે, બાદમાં વડી અદાલતનો ‘રંગ’ જોઈ સરકારપક્ષે ઘટતું અને યોગ્ય કરવાની અદાલતને હૈયાધારણા આપી હતી.