Mysamachar.in-ગાંધીનગર:
લોકસભા ચૂંટણીઓ અગાઉથી દેશભરમાં અગ્નિવીર યોજના મામલે વિવાદો ચાલી રહ્યા છે. વિપક્ષ આ મુદ્દે સતત આક્રમક છે. કેન્દ્ર તથા વિવિધ રાજ્યોની સરકારો દ્વારા, વિરોધના કારણે યોજનામાં અમુક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. દરમિયાન, ગુજરાત સરકારે પણ આ યોજના સંબંધે નવી જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક ટવીટ કરીને આ જાહેરાત કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું છે કે, અગ્નિપથ યોજના અને અગ્નિવીર સંબંધે વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવતાં ભ્રમ બેમતલબ અને નિંદનીય છે. વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતીય સેનામાં તથા આંતરિક સુરક્ષાના ક્ષેત્રમાં ઘણાં નવા સુધારાઓ કરવામાં આવી રહ્યા છે. અગ્નિપથ યોજના પણ આ પ્રકારની એક પહેલ છે.
મુખ્યમંત્રીએ વધુમાં લખ્યું છે: આ અગ્નિવીરોને કારણે ભારતીય સેના વધુ યુવાન બનશે. આ યોજના દેશમાં એવા જાંબાઝ યુવાનો તૈયાર કરશે જેઓ સૈન્યમાં પોતાની સેવાઓ આપ્યા બાદ દેશની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા પોતાનું અમૂલ્ય યોગદાન આપી શકશે. મુખ્યમંત્રી દ્વારા થયેલી આ જાહેરાતમાં વધુમાં જણાવાયું છે કે, અગ્નિવીરોને ગુજરાતમાં સશસ્ત્ર પોલીસ અને એસઆરપી ભરતીઓમાં પ્રાથમિકતા આપવામાં આવશે.