Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ કલ્યાણપુર તાલુકામાં 13 ઈંચ જેટલા વરસાદી કહેર બાદ દ્વારકા પંથકમાં પણ સાંજ સુધીમાં 7 ઈંચ સુધીનો વરસાદ વરસી જવા પામ્યો છે. આ પછી આ વિસ્તારોમાં વરસાદી બ્રેક રહેતા ગત સાંજે આશરે છેક વાગ્યાથી આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ખંભાળિયા તાલુકામાં કુલ સવા ઈંચ (30 મી.મી.) વરસાદ વરસી જવા પામ્યો હતો. આ ઉપરાંત આજે સવારથી અવિરત રીતે ભારે ઝાપટા વરસવાનું ચાલુ રહેતા ગઈકાલના 33 બાદ આજના 17 મી.મી. સાથે કુલ બે ઈંચ જેટલો વરસાદ વરસી જવા પામ્યો છે.
ખંભાળિયા તાલુકામાં મોસમનો કુલ વરસાદ 40 ઈંચથી વધુ થઈ ચૂક્યો છે. ખંભાળિયા શહેરને પાણી પૂરું પાડતા ઘી ડેમમાં વધુ બે દિવસમાં બે ફૂટ જેટલા નવા નીરની આવક થવા પામી છે. ડેમની સપાટી હાલ 19 ફુટ ઉપર પહોંચી છે. ત્યારે સંભવતઃ આજે જ ઘી ડેમ ઓવરફ્લો થઈ જાય તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જિલ્લા પ્રશાસન દ્વારા પણ ડેમ વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.