Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિ ભારે કરી શકાય તેવો વરસાદ કલ્યાણપુર તાલુકામાં ખાબક્યો છે. જેમાં આજે સવારે 8 થી 12 વાગ્યા દરમ્યાન અનરાધાર 11 ઈંચ વરસાદ ખાબકતા કેટલાક સ્થળોએ પરિસ્થિતિ નાજુક બની રહી હતી. અનેક ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. ભારે વરસાદના પગલે દ્વારકા-સોમનાથ હાઈવે બંધ થઈ જવા પામ્યો છે.
છેલ્લા બે દિવસ દરમિયાન જિલ્લામાં દ્વારકા બાદ કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારે ત્રણ મીલીમીટર બાદ સવારના આશરે નવેક વાગ્યાના સમયથી વરસાદે વેગ પકડ્યો હતો અને સાંબેલાધારે વરસાદ વરસતા બપોરે 12 વાગ્યા સુધીમાં 11 ઈંચ પાણી પડી ગયું હતું. તાલુકાના લાંબા, ભોગાત, આસોટા વિગેરે ગામોમાં પણ સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી જતા અનેક ખેતરોનું ધોવાણ થયું હતું. ભારે વરસાદના પગલે જિલ્લા પ્રશાસન દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી.
આ માટે કલ્યાણપુર તાલુકામાં ખાસ આવેલી એનડીઆરએફની ટીમના જવાનોએ મોરચો સંભાળી અને બચાવ રાહત કાર્ય હાથ ધર્યું હતું. ભારે વરસાદના પગલે અનેક ખેતરોનું ધોવાણ થયું હતું. નિંચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા હતા. હાલ જિલ્લામાં સૌથી વધુ વરસાદ કલ્યાણપુર તાલુકામાં 48 ઈંચ પડી ચૂક્યો છે.કલ્યાણપુર તાલુકાનું રાવલ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. આ ઉપરાંત ભારે વરસાદના પગલે દ્વારકા સોમનાથ નેશનલ હાઈવે પાણી ભરાઈ જવાના કારણે બંધ થઈ ગયો છે.(તસ્વીર અહેવાલ કુંજન રાડિયા)