Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે મંગળવારે પુનઃ મેઘરાજાનો મુકામ બની રહ્યો હતો. સોમવારે રાત્રિથી શરૂ થયેલી મેઘ સવારી મંગળવારે પણ જારી રહેતા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં એકથી ત્રણ ઈંચ સુધીનો ધોધમાર વરસાદ વરસી ગયો હતો. જેના કારણે નાના-મોટા જળસ્ત્રોતોમાં પાણીની ધીંગી આવક થઈ હતી. મહત્વની બાબત તો કે ખંભાળિયાના ઘી ડેમ તથા સિંહણ ડેમમાં પણ નવા પાણીની આવક થવા પામી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે આખો દિવસ વરસાદી માહોલ રહ્યો હતો. જેમાં સૌથી વધુ કલ્યાણપુર પંથક પર મેઘરાજા મહેરબાન થયા હતા. સરકારી ચોપડે કલ્યાણપુર તાલુકામાં બપોરે 9 મી.મી. બાદ સાંજે 6 થી 8 દરમિયાન બે ઈંચ પછી પણ વરસાદી ઝાપટાનો દૌર ચાલુ રહ્યો હતો અને તાલુકામાં કુલ પોણા ત્રણ ઈંચ (66 મી.મી.) વરસાદ નોંધાયો હતો. કલ્યાણપુર તાલુકાના લાંબા, ભોગાત, આસોટા સહિતના ગામોમાં ત્રણથી ચાર ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો.
– ખંભાળિયામાં 24 કલાકમાં ત્રણ ઈંચ વરસાદ –
જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ચોમાસાના પ્રારંભથી જ વરસાદી હેત વધુ વરસ્યું છે. જેમાં ગઈકાલે દિવસ દરમિયાન હળવા ઝાપટા બાદ રાત્રિના સાત વાગ્યાથી 9 વાગ્યા સુધીના સમયગાળામાં વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની બે ઈંચથી વધુ (52 મી.મી.) પાણી પડી ગયું હતું. ધોધમાર વરસાદના પગલે નિંચાણવાળા વિસ્તારોમાં ગોઠણબુડ પાણી ચાલી નીકળ્યા હતા. અને થોડો સમય પાણીનો ભરાવો થયો હતો. રામનાથ રોડ, નગર ગેઈટ, પોરબંદર રોડ, વિગેરે વિસ્તારના રસ્તાઓમાં પાણીનો ભરાવો થઈ જતા વાહનચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આટલું જ નહીં, કેટલાક સ્થળોએ કાર તેમજ બાઈક જેવા વાહનો બંધ પડી જતા વાહન ચાલકો, વાહનચાલકોને મુશ્કેલી થઈ હતી.
– ઘી તથા સિંહણ ડેમમાં નવા નિયમની વિપુલ આવક –
ખંભાળિયા તાલુકાના વડત્રા, ભાડથર, હરીપર વિગેરે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદના પગલે ખંભાળિયા શહેરને પીવાનું તથા આસપાસના વિસ્તારોમાં સિંચાઈ માટેનું પાણી પૂરું પાડતાં ઘી ડેમમાં આશરે પોણો ફૂટ જેટલું નવું પાણી આવતા ડેમની સપાટી સાડા નવ ફૂટ સુધી પહોંચી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ખંભાળિયા તાલુકામાં પણ ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.આ સાથે ખંભાળિયા – જામનગર રોડ ઉપર આવેલા મહત્વના એવા સિંહણ ડેમમાં પણ વધુ અઢી ફૂટ નવા નીરની આવક થતા ડેમની સપાટી સાડા 11 ફૂટે પહોંચી છે.જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદથી અનેક નાના-મોટા ચેકડેમ તેમજ નદીનાળા છલકાઈ ગયા છે. જ્યારે અન્ય જળ સ્ત્રોતોમાં પાણીની ધિંગી આવક થવા પામી છે.
– વિજ ત્રાટકથી પશુઓના મોત: અન્યત્ર નુકસાનીના અહેવાલો-
ગાજવીજ સાથેના ગઈકાલના આ વરસાદના કારણે કલ્યાણપુર તાલુકાના ગાંગડી ગામે રહેતા એક આસામીની માલિકીની ત્રણ ભેંસો પર આકાશી વીજ ત્રાટકતા આ ભેંસના મોત નીપજ્યા હતા. આ ઉપરાંત કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે એક ગાય પર પણ વીજળી પડતા તેનું પણ મોત થયું હતું. કલ્યાણપુર પંથકમાં ગત સાંજના ભારે પવનના કારણે ચાચલાણા ગામના એક ખેડૂતના મકાનના પતરા તૂટી ગયા હતા. કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામ પાસે 66 કે.વી. તથા 132 કે.વી. વીજળીના મોટા વીજપોલ પડી જતા વ્યાપક નુકસાની થવા પામી હતી. સાથે જીવંત વીજ વાયર 11 કે.વી.ની લાઈનો પર પડતા લાંબો સમય વીજ વિક્ષેપ સર્જાયો હતો.ગઈકાલે દિવસ દરમિયાન દ્વારકા તાલુકામાં સૌથી વધુ સાંજે 6 થી 8 વાગ્યા દરમિયાન દોઢ ઈંચ સહિત કુલ અઢી ઈંચ (63 મી.મી.) વરસાદ વરસી ગયો હતો. જ્યારે ભાણવડમાં માત્ર ભારે ઝાપટા રૂપે 7 મી.મી. વરસાદ નોંધાયો હતો. ખંભાળિયા તાલુકાના બારાડી બેરાજા ગામે રહેતા દેવશીભાઈ ચાવડાના ઘર પર વીજળી પડતા તેમના ઘરના ઈલેક્ટ્રોનિક ઉપકરણો સળગી ગયા હતા અને છતમાં ખાડા પડી ગયા હતા. જોકે પરિવારજનોનો આબાદ બચાવ થયો હતો.
-આ સીઝનનો જિલ્લામાં કુલ વરસાદના આંકડા –
આજે સવારથી જિલ્લામાં મહદઅંશે વરસાદી બ્રેક રહી હતી. સાર્વત્રિક અને મુશળધાર વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.આ સિઝનમાં ગતરોજ સુધી ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ 31 ઈંચ (779 મી.મી.) કલ્યાણપુર તાલુકામાં 18 ઈંચ (442 મી.મી.), દ્વારકા તાલુકામાં 16 ઈંચ (402 મી.મી.) અને ભાણવડ તાલુકામાં 14 ઈંચ (353 મી.મી.) કુલ વરસાદ નોંધાયો છે. આ સાથે જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ 20 ઈંચ (495 મી.મી.) થયો છે.(તસ્વીર અને અહેવાલ કુંજન રાડિયા)