Mysamachar.in-પાટણ:
ઉત્તર ગુજરાતમાં એક ગમખ્વાર અકસ્માત નોંધાયો છે, આ અકસ્માતમાં 4 જિંદગીઓનો ભોગ લેવાઈ ગયો છે અને અડધો ડઝન લોકોને નાનીમોટી ઈજાઓ પહોંચી છે. આ અકસ્માતને કારણે પાટણ-રાધનપુર ધોરીમાર્ગ પર થોડો સમય માટે ટ્રાફિક જામ પણ થયો હતો. આ અકસ્માત STની એક બસ અને એક ટ્રક વચ્ચે સર્જાયો. આ બસ આણંદથી રાપર જઈ રહી હતી. રાધનપુર અને શબ્દલપુરા વચ્ચેના વિસ્તારમાં આવેલા ખારીયાપુલ નજીક આ અકસ્માત સર્જાયો હતો, જેમાં બસના ડ્રાઇવર તથા કંડક્ટર અને ટ્રકના ડ્રાઇવર તથા ક્લીનરના મોત નીપજયા છે. બસમાં બેઠેલાં મુસાફરો પૈકી 6 વ્યક્તિઓને નાનીમોટી ઈજાઓ પહોંચતા આ તમામ ઈજાગ્રસ્તોને એક ખાનગી એમ્બ્યુલન્સ મારફતે રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે.