Mysamachar.in-અમદાવાદ:
સુપ્રિમ કોર્ટે જામીન સંબંધિત એક મામલામાં કહ્યું: જામીન પર એવી શરતો મૂકી શકાય નહીં કે, જેનાથી કોઈ આરોપીને ટ્રેક કરી શકાય અથવા તેના વિશે અંગત માહિતીઓ એકત્ર કરી શકાય. અત્રે ઉલ્લેખનિય છે કે, સુપ્રિમ કોર્ટની અમુક ખંડપીઠ સહિતની અદાલતો ભૂતકાળમાં જામીન પર આવી શરતો મૂકી ચૂકી હોય, સુપ્રિમ કોર્ટે આપેલો આ ચુકાદો મોટો ગણી શકાય.
સુપ્રિમ કોર્ટે કહ્યું કે, આવી શરતો સંપૂર્ણપણે ગેરબંધારણીય છે અને તે વ્યક્તિની ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. એક કેસમાં એક અદાલતે જામીન પર એવી શરત મૂકી હતી કે, આરોપી ગૂગલ મેપ દ્વારા પોતાનું લોકેશન પોલીસ સાથે શેર કરતો રહેશે. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે ઉપરોકત અવલોકન કર્યું હતું.
સુપ્રિમ કોર્ટે પોતાનો ચુકાદો આપતાં કહ્યું કે, જામીનની શરત તરીકે ગૂગલ મેપ પિન શેર કરવો એ ગોપનીયતાનું ઉલ્લંઘન છે. આરોપીના અંગત જીવનમાં ડોકિયું કરવું યોગ્ય નથી. કોઈ પણ કોર્ટ જામીન પર એવી શરતો લાદી શકે નહીં, જે જામીનના ઉદ્દેશને નુકસાન પહોંચાડે. અદાલતે કહ્યું હતું કે, ગૂગલ મેપ પિનનો ઉપયોગ નેવિગેશન અને લોકેશન જાણવા માટે થાય છે. તેને જામીનની શરતોમાં સામેલ કરી તેનો દુરુપયોગ કરવો જોઈએ નહીં. ગૂગલ મેપ પણ કહે છે, આ પિન નેવિગેશન માટે સારી બાબત છે પરંતુ તેને જામીનની શરત તરીકે સમર્થન આપી શકાય નહીં. આ મુદ્દે કેન્દ્ર સરકારના માહિતી મંત્રાલયનો અભિપ્રાય પણ માંગવામાં આવેલો, મંત્રાલયે આ બાબત ગૂગલ મેપ પર ઢોળી દીધી હતી.(symbolic image source:google)