Mysamachar.in-
ગુજરાત સરકારે રાજ્યમાં હીટવેવની પરિસ્થિતિઓ ધ્યાનમાં રાખી પ્રત્યેક બાંધકામ સાઈટ પર બપોરના 1 થી 4 વાગ્યા સુધી શ્રમિકોને કામ ન કરવું પડે અને આ સમયે શ્રમિકોને રાહતરૂપે આરામ મળી રહે તે માટેની સૂચનાઓ આપી છે, જેને પગલે જામનગરમાં પણ તમામ કાર્યરત બાંધકામ સાઈટ્સ પર આ સૂચનાઓનો અમલ શરૂ કરાવી દેવામાં આવ્યો છે.
જામનગરના ઈન્ડસ્ટ્રીયલ સેફટી વિભાગે આ સૂચનાઓ બાંધકામ ધંધાર્થીઓ સુધી પહોંચાડી દીધી છે. ધંધાર્થીઓને પરિપત્રની નકલ, મેસેજ અને કોલ્સ દ્વારા આ સૂચનાઓ આપવામાં આવી છે. આ સંબંધે વિભાગ દ્વારા શહેર તથા જિલ્લામાં સાઈટ્સ વિઝિટ પણ કરવામાં આવી રહી છે, સમગ્ર જિલ્લામાં સરકારની આ સૂચનાનું પાલન કરાવવામાં આવી રહ્યું છે અને આ સંબંધે કોઈ પણ સાઈટ્સ પરથી તંત્રને કોઈ ફરિયાદ પણ મળી ન હોવાનું આ વિભાગ જણાવે છે. જામનગર શહેર અને જિલ્લામાં આશરે 150થી વધુ બાંધકામ સાઈટ્સના ધંધાર્થીઓ તથા સુપરવિઝન સ્ટાફને આ અંગે સૂચનાઓ આપી હોવાનું ઈન્ડસ્ટ્રીયલ સેફટી વિભાગ જણાવે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, હાલની આ કાળઝાળ ગરમીમાં ખુલ્લામાં ભારે શ્રમનું કામ ખાસ કરીને બપોરના સમયે થતું હોય ત્યાં કોઈ પણ શ્રમિક ભયાનક ગરમી અને બફારાનો અથવા લૂ નો શિકાર બની શકે છે. જેથી દરેક સાઈટ્સ પર બપોરે 1 થી 4 દરમિયાન આ શ્રમ કામગીરીઓ બંધ રખાવવાની જવાબદારીઓ સ્થાનિક કચેરીઓને સોંપવામાં આવી છે. આ માટે સરકારે દરેક જિલ્લા કચેરીઓને પરિપત્ર પાઠવી દીધો છે, જેનો હાલ અમલ કરાવવામાં આવી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં હાલ ગરમીના માહોલને કારણે લોકોમાં ગભરામણ અને શરીરમાં પાણી ઘટી જવું તથા હીટ સ્ટ્રોક જેવી ફરિયાદો સતત વધી રહી છે ત્યારે શ્રમિકો માટેની આ સૂચનાનો અમલ શ્રમિકો માટે રાહતરૂપ જણાઈ રહ્યો છે.(file Image)

























































