Mysamachar.in:અમદાવાદ:
રાજ્ય સરકારમાં તથા વિવિધ ખાનગી એકમોમાં રોજમદાર કામદાર તરીકે નોકરી કરતાં લાખો કામદારો માટે મોટી રાહત સમાન એક ચુકાદો વડી અદાલત દ્વારા આપવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના ઔદ્યોગિક વિવાદ અધિનિયમ (ઈન્ડસ્ટ્રીયલ ડીસ્પયુટ એક્ટ)ની કલમ 25(b) હેઠળ, દૈનિક વેતન કામદારો એટલે કે રોજમદારો કે જેમણે નોકરીમાં ચોક્કસ કાર્યકાળ પૂર્ણ કર્યો હોય તો તેઓ કાયમી થવા માટે હક્કદાર ઠરે છે, એમ ગુજરાત હાઇકોર્ટે એક ચુકાદામાં જણાવ્યું છે.
વડી અદાલતે આ ચુકાદામાં એમ પણ સ્પષ્ટ કર્યું છે કે, કોઈ પણ કામદાર માટે જો એકવાર કાયમીપણું મંજૂર કરવામાં આવે તો આ કામદાર પેન્શન અને ઉચ્ચ પગારધોરણ જેવા વધારાના લાભો મેળવવા પણ અધિકારી છે. જે લાભો નિયમિત રીતે નિયુક્ત કામદારો માટે ઉપલબ્ધ હોય છે.
કર્મચારી રોજમદાર તરીકે એટલે કે, દૈનિક વેતન કામદાર તરીકે મૂળ રીતે નિમણૂંક પામ્યો હોય, પરંતુ અમુક ચોક્કસ વર્ષો સુધી નોકરીમાં કાર્યકાળ પૂર્ણ કરે તો તેવા સંજોગોમાં ખાસ કરીને ઔદ્યોગિક વિવાદ અધિનિયમની કલમ 25(બી) અનુસંધાનમાં આવા કામદારો નોકરીમાં કાયમી તરીકેના લાભો મેળવવાપાત્ર ઠરે છે, એમ જણાવી અદાલતે કહ્યું: એટલું જ નહીં, ભલે તે ડિપાર્ટમેન્ટમાં રોજમદાર (દૈનિક વેતન કામદાર) તરીકે નિમણૂંક પામ્યો હોય અથવા નિમણૂંક પામી હોય. પરંતુ તેને પણ સીધી પસંદગીથી નિમણૂંક પામેલાં રેગ્યુલર-કાયમી કર્મચારીઓની જેમ જ ગણવો જોઈએ તેમ કહી અદાલતે આ કેસનો નિકાલ કર્યો છે.