Mysamachar.in-અમદાવાદ:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં હાલમાં એક તરફ કમોસમી વરસાદ વરસી રહ્યો છે, આજે પણ કેટલાંક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે અને બીજી તરફ સારાં સમાચાર એ છે કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં આ વર્ષે ચોમાસાનો પ્રારંભ વહેલો થઈ જશે એવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર થઈ ચૂકી છે. આ સમાચાર લાપસીના આંધણ મૂકવાની સ્થિતિ પેદા કરી રહ્યા છે.
હાલમાં જામનગર સહિત રાજ્યના 114 તાલુકાઓના વિસ્તારોમાં વરસાદ નોંધાયો. પાકોને નુકસાનની ભીતિ વ્યક્ત થઈ. ચાર હજાર કરતાં વધુ ગામોમાં અને શહેરોમાં વીજપૂરવઠો ગાયબ થઈ ગયો અથવા બંધ કરી દેવામાં આવ્યો. 3 માનવ જિંદગીઓ મોતને ભેટી અને 40થી વધુ પશુઓના મોત થયા. અને, સાથે જ આજે પણ વરસાદની આગાહીઓ. તેની સાથે સાથે જ હવામાન વિભાગે જાહેરાત કરી દીધી કે, આગામી સપ્તાહે ભારત માટેના ચોમાસાનો પ્રારંભ થઈ જશે. એટલે કે, આ વર્ષે ચોમાસાનો પ્રારંભ વહેલો થઈ જશે.
સામાન્ય સંજોગોમાં ભારતમાં નૈૠત્યનું ચોમાસુ એક જૂનથી કેરળ પર છવાઈ જાય છે, શરૂ થતું હોય છે. અને, એ અગાઉ ચાર પાંચ દિવસ પહેલાં આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ નજીક ચોમાસાની હલચલ શરૂ થતી હોય છે. આ વખતે ભારતીય હવામાન વિભાગ કહે છે: આગામી 21-22 થી જ આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ નજીક મોન્સૂન એકટિવિટી શરૂ થઈ જશે.
હવામાન વિભાગ કહે છે: આ વખતે 21-22 કે 26 મે ના બદલે આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ પર 19મે થી પણ સાગરકિનારે ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે. જે સામાન્ય ચોમાસા કરતાં 3-5 દિવસ વહેલું લેખી શકાય. આ સાથે જ બંગાળના ઉપસાગર એટલે કે ખાડીમાં પણ 19મે થી ચોમાસુ પ્રવેશી શકે છે. આમ દક્ષિણ પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ બંને ભારતીય વિસ્તારોમાં વરસાદનો પ્રવેશ વહેલો થઈ શકે છે.
સામાન્ય રીતે, એક જૂનથી દક્ષિણ પશ્ચિમમાં શરૂ થઈ ઉત્તર તરફ આગળ વધી પંદર જૂલાઈ સુધીમાં તો આખા દેશ પર ચોમાસુ છવાઈ જતું હોય છે. અત્રે ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગે 15 એપ્રિલ આસપાસ જ પોતાના લાંબા ગાળાના અનુમાનમાં જણાવેલું કે, જૂનથી સપ્ટેમ્બર દરમિયાન 5 ટકા પ્લસ માઈનસ સાથે મોન્સૂન વરસાદ સામાન્ય કરતાં થોડો વધુ રહી દેશભરમાં એવરેજ 106 ટકા રહી શકે છે. અને, એ પણ ઉલ્લેખનિય છે કે આ વહેલાં ચોમાસાની આગાહી અત્યારે પ્રથમ વખત થઈ છે.
(તસ્વીર સૌજન્ય:ગુગલ)