Mysamachar.in-અરવલ્લી:
કોઈપણ ચલણી નોટ જો ચલણમાંથી બહાર નીકળી જાય તો તેનું કોઈ મુલ્ય જ નથી રહેતું અને આવી રદ થયેલ ચલણી નોટો કોઈ સ્વીકારતું પણ નથી છતાં વારંવાર વર્ષોથી બંધ થયેલ 1000 અને 500ના દરની જૂની રદ થયેલ નોટો સાથે કોઈ ને કોઈ પોલીસને અડફેટ ચઢી જાય છે, આવો જ વધુ એક વખત આશ્ચર્ય પમાડે તેવો કિસ્સો અરવલ્લી જીલ્લામાંથી સામે આવ્યો છે, આશ્ચર્ય એટલા માટે કે લાખોની રદ થયેલ ચલણી નોટો લઈને આ ભાઈને શું કરવાનું હશે તે જ સવાલે પોલીસને પણ ચકરાવે ચઢાવી દીધા છે.
રુપિયા 500 અને 1000ની જૂની અને ચલણમાંથી રદ કરવામાં આવેલ નોટના બંડલ અરવલ્લી જિલ્લામાંથી ઝડપાયા છે. પંચમહાલના શહેરાનો શખ્શ બાઈક પર એક થેલીમાં ભરીને લુણાવાડાથી માલપુર તરફ આવવા દરમિયાન પોલીસે યુવકને ઝડપી લઈને તલાશી લેતા તેની પાસેથી 13.39 લાખ રુપિયાની ચલણમાંથી રદ થયેલ ચલણી નોટો મળી આવી હતી.
ચલણી નોટોના બંડલમાંથી 500 રુપિયાના દરની રદ થયેલ જૂની ચલણી નોટો 2292 નંગ અને 1000 રુપિયાની ચલણમાંથી રદ કરવામાં આવેલ 198 નોટ મળી આવી હતી. પોલીસે યુવક પાસેથી આ નોટો ક્યાંથી આવી અને કયાં લઈ જતો હતો એ અંગેની તપાસ શરુ કરી છે. પોલીસને યુવક જિગ્નેશ ભરતભાઈ પટેલ રહ પાલીખંડા તા. શહેરા જિ. પંચમહાલની પૂછપરછ કરતા હાલ તો માત્ર એક જ રટણ જારી રાખ્યું છે કે, નોટો તેની પોતાની છે અને તેને બદલવા માટેના પ્રયાસમાં બેંક મેનેજરનો સંપર્ક કરવા માટે જઈ રહ્યો હતો જો કે તે વાત પોલીસને માનવામાં આવતી નથી એટલે જ પોલીસ અલગ અલગ દિશાઓમાં તપાસ કરી રહી છે.