Mysamachar.in-જામનગર:
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ સહિત સમગ્ર રાજ્યમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના સાગરકાંઠે થોડાથોડા સમયે, ચોક્કસ સમયે, દારૂ-જૂગારના કેસોની માફક ડ્રગ્સના કેસો પણ નોંધાઈ રહ્યા છે. આવો વધુ એક મામલો હાલ જાહેર થયો છે જેના કેન્દ્રમાં વેરાવળ ઉપરાંત જામનગર અને જોડિયા પંથકના નામો પણ બહાર આવ્યા છે. જેને કારણે વધુ એક વખત સનસનાટી અને ચર્ચાઓ ઉઠી છે.
શુક્રવારે જાહેર થયું કે, ગીર સોમનાથ જીલ્લા પોલીસે રૂ. 350 કરોડની બજારકિંમત ધરાવતાં ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો છે. જો કે ગીર સોમનાથ જિલ્લાની પોલીસે આ જથ્થાની કિંમત રૂ. 250 કરોડ જાહેર કરી છે. આ જથ્થો હેરોઈન છે, કોકેઈન છે કે મોરફીન છે, એ ખુલાસો FSL રિપોર્ટ આવ્યા બાદ થશે. ગીર સોમનાથ પોલીસ કહે છે, એક બોટમાંથી 25 કિલો ડ્રગ્સ ઝડપાયું છે અને 25 કિલો ડ્રગ્સ ડિલેવરી દરમિયાન ઝડપાયું છે, જે તમામ ડ્રગ્સ બોટ મારફતે વેરાવળ બંદરે લાંગરવામાં આવેલી બોટ મારફતે સૌરાષ્ટ્રમાં આવ્યું છે.
આ ડ્રગ્સના જથ્થાની સૌરાષ્ટ્રમાં થયેલી સપ્લાયમાં જામનગરના બે શખ્સોની ભૂમિકા બહાર આવી છે. જે પૈકી એકનું નામ આસિફ જુસબ સમા ઉર્ફે કારો છે, જેની ઉંમર 24 છે અને તે બેડેશ્વર હાઉસિંગમાં રૂમ નંબર 40માં રહે છે. બીજો શખ્સ અરબાઝ અનવર પમા છે જે 23 વર્ષનો છે અને ગુલાબનગર વિસ્તારમાં ગોસિયા મસ્જિદ નજીક રહે છે. આ શખ્સો જામનગર રાજકોટ રોડ પર ઈકો વાહનના ધંધા સાથે સંકળાયેલા છે. જે પૈકીનો કારો જોડિયાના ઈશાક નામના શખ્સ વતી નાણાંના બદલામાં કામ કરે છે, અગાઉ તેણે માળિયા મિંયાણાની પણ આ રીતે ખેપ મારેલી. ઈશાક આ કારાનો મિત્ર છે. અને, અરબાઝ પણ કારાનો મિત્ર છે.
ગીર સોમનાથ પોલીસે આ મામલામાં બોટ, મારૂતિ કાર, સેટેલાઇટ ફોન, 3 મોબાઇલ અને એક કી-પેડ ફોન પણ કબજે લીધાં છે. ગીર સોમનાથ SP મનોહરસિંહ જાડેજા કહે છે, આ આખું ઓપરેશન પાકી બાતમીના આધારે પાર પાડવામાં આવ્યું છે, અને વેરાવળના સ્થાનિક માછીમારો પોલીસને, હંમેશા, ખૂબ સહયોગ આપી રહ્યા છે.
ગુજરાત ખારવા સમાજના ઉપપ્રમુખ જિતુભાઈ ટંડેલ કહે છે: મને નાના ભાઈનો ફોન આવ્યો હતો કે, (આ વાયરલ વીડિયો છે) તમે આવો. ફેક્ટરીએ પહોંચતા નાનાભાઈ ખીમજીભાઈએ કહ્યું હતું કે, મને આપણાં ટંડેલ પર શંકા છે. આથી ટંડેલ પર વોચ રાખવામાં આવી હતી. બપોરના સમયે બોટ આવી ત્યારે છોકરો ગાડી છૂપાવીને ઉભો હતો. રાત્રે સાડા આઠ નવ વાગ્યે રાજકોટ પાસિંગની એક કાર આવી હતી, આ કાર આપણી બોટની સાઈડમાં રિવર્સ રાખીને ઉભી હતી. બોટમાંથી બે ખલાસીઓએ કારમાં એક કોથળો મૂક્યા બાદ કાર જતી રહી હતી. બાદમાં આ કારને ટંડેલના લોકોએ આંતરી હતી અને આખા મામલા અંગે SPને જાણ કરી હતી, કાર આંતરનારને બોટમાંથી ચોરીની શંકા હતી. આમ સમગ્ર મામલો આ જિતુભાઈ પરિવારની જાગૃતિથી બહાર આવ્યો. આ કેસમાં ATS અને અન્ય એજન્સીઓ પણ તપાસ કરી રહી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, અગાઉ પણ જોડિયા, જામનગર, સલાયા વગેરે પંથકોમાં ડ્રગ્સના અહેવાલો ચમક્યા છે. બાદમાં ખાસ કોઈ ફોલોઅપ કોઈ પણ લેવલેથી જાહેર થતું નથી. આ કેસમાં એમ કહેવાય છે કે, આ માલ ઓમાનથી બોટમાં લોડ થયો છે. અને, આ કેસમાં જામનગરના બે શખ્સો અને ઉત્તરપ્રદેશના એક શખ્સ મળી કુલ ત્રણ શખ્સોની ધરપકડ થઈ છે. આ ઉપરાંત બોટના સાત ખલાસીઓને પોલીસે રાઉન્ડ અપ કર્યા છે. સમગ્ર પ્રકરણમાં હવે દસેય શખ્સોની જોઈન્ટ પૂછપરછ ચાલી રહી છે.