Mysamachar.in-અમદાવાદ:
સામાન્ય રીતે, કરોડો લોકોની, દાયકાઓથી એવી માન્યતા છે કે, જે માણસ કોર્ટના પગથિયાં એક વખત પણ ચડે, તે ઘસાઈ જાય. જો કે છેલ્લા કેટલાંક સમયથી આ પરિસ્થિતિઓમાં સુધારો જોવા મળી રહ્યો છે, લોકઅદાલત પ્રકારના પ્રયાસોથી અસંખ્ય કેસોના ફટાફટ નિકાલ આવી રહ્યા છે, પક્ષકારો વચ્ચે સમાધાનો થઈ રહ્યા છે, અદાલતો અને ન્યાયાધીશોની સંખ્યા પણ વધારવામાં આવી રહી છે. ટૂંકમાં સ્થિતિ સતત સુધારાઓ તરફ આગળ વધી રહી છે, જે આવકાર્ય બાબત છે.
અદાલતી પ્રક્રિયાઓમાં વધુ ગતિ લાવવા તાજેતરમાં હાઈકોર્ટ દ્વારા પણ એક મહત્ત્વની પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. જેના સારાં આઉટપુટ સામે આવી રહ્યા છે. વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના માર્ગદર્શન મુજબ, હાલમાં ઓટો જનરેટેડ ડેટ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. જેને કારણે જે કેસો વર્ષો અથવા દાયકાઓથી બોર્ડ પર આવતાં ન હતાં, ચાલવા પર આવતાં ન હતાં તેવા કેસ પણ ચાલવા પર આવવા લાગ્યા છે જેને પરિણામે પક્ષકારો અને વકીલોને રાહતનો અહેસાસ થઈ રહ્યો છે.
હાઈકોર્ટમાં આ સિસ્ટમ અંતર્ગત દરેકેદરેક કેસને ફટાફટ તારીખો આપવામાં આવી રહી છે અને સમગ્ર પ્રક્રિયાઓ ઝડપથી નિપટાવવામાં આવી રહી છે. સરકારી કચેરીઓ જેવી લાલફીતાંશાહી અદાલતોમાં પણ દાયકાઓ સુધી ચાલી. હવે લોકોની અપેક્ષાઓ વધતાં ઓલઓવર બધાં જ ક્ષેત્રમાં, અગાઉની સરખામણીએ ગતિ જોવા મળી રહી છે. જો કે હજુ પણ અધિકારીઓ અને કર્મચારીઓના ઘરેડ પ્રકારના માઈન્ડસેટમાં બહુ મોટાં પરિવર્તન આવ્યા નથી.
આમ છતાં વડી અદાલત દ્વારા અમલમાં મૂકવામાં આવેલી આ ઓટો જનરેટેડ ડેટ સિસ્ટમના સારાં પરિણામો નજર સમક્ષ આવી રહ્યા છે એ તો આવકારદાયક બાબત છે જ. કારણ કે, ઘણાં કેસો એવા પણ હતાં જેઓને 20-25 વર્ષ સુધી તારીખ મળતી ન હતી, પક્ષકારો નારાજ જોવા મળતાં હતાં, તેવા કેસો પણ હવે ચાલવા પર આવી રહ્યા હોય, પક્ષકારોમાં ગતિશીલ ન્યાયપ્રણાલી અંગે આશાઓ જન્મી છે. જે ખુશીની વાત છે.