Mysamachar.in-અમદાવાદ
સેનેટરી પેડ કોઈ પણ મહિલાની એકદમ અંગત બાબત હોય છે, તેથી તે બાબતે બહુ ચર્ચાઓ થતી હોતી નથી પરંતુ તાજેતરમાં અમદાવાદ એરપોર્ટ પર એક મહિલાનું સેનેટરી પેડ ચર્ચાનો વિષય બની ગયું, કેમ કે આ મામલો સોનાની દાણચોરી સાથે સંકળાયેલો હતો, એવું અંતે જાહેર થયું.
આમ જૂઓ તો, સોનાની દાણચોરી કોઈના પણ માટે નવી વાત નથી, પરંતુ મોટાભાગના કેસમાં આ દાણચોરી તેની પદ્ધતિઓને કારણે સમાચાર બનતી હોય છે. કારણ કે, દાણચોરો અને કેરિયર લોકો વિદેશોમાંથી ભારતમાં દાણચોરીનું સોનું ઘૂસાડવા વિવિધ ઉપાયોનો પ્રયોગ કરતાં હોય છે અને આ પ્રયોગો પૈકી જે પ્રયોગ નિષ્ફળ જાય છે તેની ચર્ચાઓ થતી રહી છે. બીજી તરફ સફળ પ્રયોગ ચાલતાં રહેતાં હોય છે અથવા જાહેર થતાં હોતાં નથી. આ ઓપન સિક્રેટ પણ સૌ દાયકાઓથી જાણે છે.
અને, સોનાની દાણચોરી માત્ર હવાઇ માર્ગે જ થતી હોય છે, એવી માન્યતા ખુદ એક બકવાસ છે. સોનાની દાણચોરી રાતદિવસ ચાલતી રહે છે. જે કિસ્સાઓ જાહેર થાય છે તે કિસ્સાઓ દારૂ જૂગારના કેસો જેવા હોય છે, એ બાબત પણ આપણે ત્યાં ઓપન સિક્રેટ છે.
અમદાવાદના એરપોર્ટ પર એક મહિલા અબુધાબીથી આવી. આ મહિલા અંગે તંત્ર કહે છે, અમે તેણીને શંકાસ્પદ યાત્રીની યાદીમાં રાખેલી. તેથી એરપોર્ટ પર તેણીની સઘન પૂછપરછ અને ચકાસણીઓ કરી. આ મહિલાના કબજામાંથી દાણચોરીનું 736.36 ગ્રામ સોનું મળી આવ્યું. આ સોનાની કિંમત રૂ. 49 લાખ અંદાજવામાં આવી છે. આ સોનું પેસ્ટ સ્વરૂપમાં હતું. આ પેસ્ટ તે મહિલાએ સેનેટરી પેડમાં છૂપાવી હતી. આ મહિલાની ધરપકડ બાદ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
આ પ્રકારના ઘણાં કેરિયર અને દાણચોર વિવિધ એરપોર્ટ પર પકડાતાં રહે છે. મોટાભાગના એરપોર્ટ પર સોનાની દાણચોરી સંબંધે ઘણું છાનુંછપનું ચાલતું રહેતું હોય છે. દાણચોરીનું સોનું ચિક્કાર ઠલવાઈ રહ્યું છે. રસ્તાઓ પર દોડતાં ઘણાં વાહનો અને દરિયાઈ માર્ગે અવરજવર કરતાં શખ્સો, બધાં જ દૂધે ધોયેલાં નથી હોતાં. સૌ સમજે છે, સૌને પેટ હોય છે. જયારે જયારે આવા કિસ્સાઓ જાહેર થતાં હોય છે ત્યારે ત્યારે અમુક કલાકો ચર્ચાઓ ચાલતી રહે છે. સોનાની દાણચોરી સમસ્યા છે પણ નવી વાત નથી. જેને કારણે અન્ય સમસ્યાઓ પણ પેદાં થાય છે અને સૌને પરેશાન કરતી રહે છે.