Mysamachar.in-સુરેન્દ્રનગર:
રાજ્યમાં દિનપ્રતિદિન માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો થતો રહે છે અને લટકામાં માર્ગ સલામતી સપ્તાહના નાટકો પોલીસ અને આરટીઓ વિભાગ કરે છે પણ વાહનચાલકોને ખરેખર આપવી જોઈતી સમજણો વગેરે ક્યારેય આપવામાં આવતી નથી અને બેફામ વાહનચાલકો સામે માત્ર નામની કાર્યવાહીઓ કરવામાં આવે છે, ત્યારે આજે રાજ્યમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી જેમાં એક જ પરિવારના ત્રણ લોકો કાળનો કોળીયો બની ગયા છે.
સુરેન્દ્રનગરમાં કોલસો ભરેલા ડમ્પર પાછળ કાર ઘૂસી જતા ત્રણ લોકોએ પોતાની જિંદગી ગુમાવી છે. કારનો આગળનો ભાગ ડમ્પરની પાછળ ઘૂસી ગયો હતો. જેથી કારના આગળના ભાગનો કચ્ચણઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. તેમજ એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. ઘટનામાં એક બાળકનો આબાદ બચાવ થયો છે.
મૂળી-સરલા રોડ ઉપર ખનીજ ભરેલા ડમ્પર પાછળ રિફલેકટર લાઈટ નહી હોવાથી પાછળ આવતી કાર ઘૂસી ગઈ હતી. જેથી કારમાં સવાર ત્રણ લોકોના મોત થયા છે. આ ત્રણેય મૃતકો મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના લાકડદાના રહેવાસી હોવાનું સામે આવી રહ્યું છે.ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલીક દોડી આવી હતી અને પોલીસે તાકીદે ત્રણેય લાશોને પોસ્ટ મોર્ટમ માટે મૂળીની સરકારી હોસ્પિટલે મોકલી આપી ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.