Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂ. 26.10 કરોડના વિવિધ ખર્ચ અને વિકાસકામોને ધડાધડ મંજૂરીઓ આપવામાં આવી. સ્ટે.કમિટીના ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષપદે યોજાયેલી આ બેઠકમાં મેયર તથા કમિશનર વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
આ બેઠકમાં રૂ. 1,266.73 લાખનો ખર્ચ પાંચ વર્ષ માટે ફિલ્ટર પ્લાન્ટ તથા ESR સંબંધિત કામો, મશીનો અને ઓપરેશન તથા મેન્ટેનન્સ માટે મંજૂર કરવામાં આવ્યો. આ ઉપરાંત રૂ. 507.19 લાખનો ખર્ચ ભૂગર્ભ ગટર તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ માટે મંજૂર થયો. જેમાં વિવિધ મશીનરીઓ વસાવવા નિર્ણય થયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ બંને શાખાઓ વિવાદાસ્પદ પણ છે અને સૌથી વધુ ફરિયાદો પણ આ વિભાગો વિરુદ્ધ રહે છે.
આ ઉપરાંત રૂ. 368.86 લાખના ખર્ચે નંદઘરો બનાવવા નિર્ણય થયો. રૂ. 114.50 લાખના ખર્ચથી વોર્ડ નંબર 5,9,13 અને 14 માં આ આંગણવાડી કેન્દ્રો બનશે. વોર્ડ નંબર 1,6 અને 7 માં રૂ. 82.59 લાખના ખર્ચથી નંદઘર બનશે. આ ઉપરાંત વોર્ડ નંબર 8,15 અને 16 માં રૂ. 171.77 લાખના ખર્ચથી નંદઘર બનશે. આ ઉપરાંત વોર્ડ નંબર 5 માં રૂ. 213.00 લાખના ખર્ચથી સ્ટોર્મ વોટર ડ્રેનેજ બનાવવામાં આવશે. આ કામ સોઢા સ્કૂલ નજીકના પુલિયાથી જગડીયા પુલ સુધી થશે. આ કામ 2022-23 ની ગ્રાન્ટમાંથી થશે.
આ ઉપરાંત શ્રાવણી મેળાઓ દરમિયાન કોર્પોરેશન દ્વારા પ્રદર્શન મેદાન પર જે સ્ટેજ તથા મંડપ લગાવવામાં આવેલાં તે માટે રૂ. 28.80 લાખની કમિશનરની દરખાસ્ત કમિટીએ મંજૂર કરી દીધી છે. આ સાથે જ વિવિધ રસ્તાઓ પર સેન્ટ્રલ લાઈટીંગના કામો, સોલાર રૂફટોપ પ્રોજેક્ટ, મોબાઈલ ટોઈલેટ, શેલ્ટર હોમ જાળવણી, ઈ-બસ સેવા સંબંધિત કામો માટે કન્સલ્ટન્ટ તેમજ ગટર અને ચરેડા સહિતના સિવિલ શાખાના વિવિધ કામો તથા ખર્ચને મંજૂરીઓ આપવામાં આવી છે.
ભૂગર્ભ ગટર અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ માટે જે મશીનો ખરીદવામાં આવશે તેના નામો: હાઈડ્રોજેટીંગ મશીન, એકસકેવેટર પોકલેન મશીન તથા સુપર સકર મશીનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેટલાંક અધિકારીઓ અને કર્મચારીઓની કરાર આધારિત નોકરીઓની મુદત વધારવામાં આવી અને કેટલાંક કર્મીઓના એલાઉન્સ પણ મંજૂર કરવામાં આવ્યા હતાં.