Mysamachar.in-ખેડા:
ગુજરાતની નિષ્ફળ દારૂબંધીની સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ભારે ઠેકડીઓ ઉડતી રહે છે અને મેઈન સ્ટ્રીમ મીડિયામાં પણ દારૂબંધીની પોકળતા અંગે આકરાં રિપોર્ટ આવતાં રહે છે, તેમાં પણ જ્યારે જ્યારે નશાકારક પીણાંઓને કારણે મોતકાંડ સર્જાય છે ત્યારે ત્યારે પોલીસ અને રાજયના ગૃહવિભાગ પર રીતસર માછલાં ધોવાતાં રહે છે. આમ છતાં રાજયના નશાના કારોબારને ઉની આંચ આવતી નથી. બધું જ યથાવત્ ધમધમતું રહે છે. તાજેતરમાં ખેડા નડિયાદ પંથકનો મોતકાંડ ભારે ચર્ચાઓમાં છે. જેમાં એવું બહાર આવ્યું છે કે, મોતકાંડ પાછળ હેન્ડ સેનેટાઈઝર પણ હોય શકે ! એક ઉદ્યોગપતિની ધરપકડ પણ થઈ છે.
ખેડા પંથકમાં નશાકારક આયુર્વેદિક પીણાંઓ પિવાથી 7 ના મોત થયા એ પ્રકરણની તપાસ કહે છે: આ પીણાંઓમાં હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ થયો છે. જેમાં 50-60 ટકા જેટલું મિથેનોલ નામનું રસાયણ હોય છે. આ રસાયણના કારણે આ પીણું જિવલેણ પૂરવાર થયું. સામાન્ય રીતે આ પ્રકારના ગેરકાયદેસર નશાકારક કફ સિરપ બનાવવામાં ઈથેનોલનો ઉપયોગ થતો હોય છે. પરંતુ આ કેસમાં ઈથેનોલના બદલે મિથેનોલનો ઉપયોગ થયો. કોવિડ સમયે આ ઉદ્યોગપતિએ બનાવટી હેન્ડ સેનેટાઈઝર બજારમાં ઘૂસાડેલું જેનો સ્ટોક પડ્યો હતો, તે સ્ટોક આ પીણાંમાં ઉપયોગમાં લેવાયો !!
ત્રણ વર્ષ અગાઉ એક ઉદ્યોગપતિએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું લાયસન્સ મેળવી રસાયણનું ઉત્પાદન શરૂ કરેલું. જેનું ગોડાઉન ડભાણમાં છે. આ શખ્સ ખેડાના આ મોતકાંડમાં પણ આરોપી છે. તેણે જોખમી પીણું બનાવેલું. કોવિડ સમયે તેણે યોગી નામથી કાયદેસરનો ધંધો શરૂ કરેલો. આ શખ્સનું નામ યોગેશ સિંધી છે. જે ઝડપાઈ ગયો છે. લોકડાઉન સમયે તેણે ડુપ્લિકેટ હેન્ડ સેનેટાઈઝર બનાવેલું.
ગત્ ઓગસ્ટમાં રાજકોટ પોલીસે વડોદરામાં એક દરોડો પાડી નિતીન કોટવાણી અને ભાવેશ સેવકાણીની ધરપકડ કરેલી પરંતુ આ દરોડામાં ગોડાઉનમાં પડેલો હેન્ડ સેનેટાઈઝરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો ન હતો. શંકા એ છે કે, આ ત્રણ શખ્સોએ આ સ્ટોક આ જિવલેણ પીણું બનાવવા ઉપયોગમાં લીધો છે.
પોલીસે સિંધીના ગોડાઉનમાંથી 590 બોટલ કબજે લીધી, જે પૈકી મોટાભાગની ખાલી છે, તેમાં અગાઉ મિથેનોલ હતું. યોગેશ નામના આ શખ્સે આ જિવલેણ પીણું બનાવવા ખોરાકમાં ઉપયોગમાં લેવાતાં રંગ, એસેન્સ, સિન્થેટિક ફલેવર અને સાઈટ્રીક એસિડ તથા મિથેનોલ- આ પીણું બનાવવા ખરીદી રાખેલાં.
અગાઉ પ્રવક્તા મંત્રી ૠષિકેશ પટેલએ એમ કહેલું કે, આ મોતકાંડનો છેડો રાજ્ય બહાર છે. પોલીસ કહે છે: સિંધીએ આ મિશ્રણ ખેડાના ગોડાઉનમાં તૈયાર કરેલું. જેમાં આલ્કોહોલનો ઉપયોગ પણ થયેલો. ખેડાની પોલીસે મુંબઈના એક ઉદ્યોગપતિની ધરપકડ કરી છે. એમ કહેવાય છે કે, તેણે ગેરકાયદેસર રીતે ઈથેનોલનું વેચાણ ગુજરાતના આ શખ્સને કર્યું હતું. આ ઉદ્યોગપતિનું નામ તૌફિક મુકાદમ શેખ છે. અદાલતે તેના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ખેડાના મોતકાંડમાં તેની આકરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
આ મોતકાંડમાં બુધવારે સાતમું મોત થયું. આ મૃતક આ મોતકાંડના બે મુખ્ય આરોપીઓ કિશોર અને ઈશ્વર સોઢાનો પિતા પણ છે અને આ કાંડનો મુખ્ય સાક્ષી પણ હતો. 72 વર્ષના આ મૃતકનું નામ શંકર સોઢા. તેણે ગત્ 27મીએ આ મિથેનોલ મિશ્રિત પીણું પીધેલું. તેને અમદાવાદ સિવિલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલ જયાં તેનું મોત થયું. આ પીણું 55 લોકોએ પીધેલું એમ માનવામાં આવે છે ! અત્યાર સુધીમાં કુલ મોત 7 થયા છે. મૃતકનો પુત્ર કિશોર સોઢા સ્થાનિક BJPનો ખજાનચી છે અને આ મોતકાંડમાં મુખ્ય બે આરોપીઓ પૈકી એક છે. તેનો ભાઈ ઈશ્વર સોઢા બીજો મુખ્ય આરોપી છે.