Mysamachar.in-નડિયાદ
ખુદ વાડ જ ચીભડા ગણે તો માળી શું કરે..? આ કહેવત સામે આવેલ કિસ્સાને તાલ મિલાવી રહી છે, ખેડા જીલ્લાના વસો પોલીસ સ્ટેશનના PSIની સરકારી ગાડીના ડ્રાઇવર કોન્સ્ટેબલ શબ્બીરખાન યાકુબખાન પઠાણને પોલીસે પકડેલાં અને પોલીસલાઇન ક્વાટર્સ નં.15માં રાખેલાં વિદેશી દારૂના સરકારી મુદ્દામાલ પૈકીના દારૂની બોટલનો જથ્થો ગાડીમાં વેચવા જતાં ગત 26મીના ઝડપી લીધો હતો. જેને પોલીસે કોર્ટમાં રજૂ કરી 9 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી.
બુટલેગરને દારૂનો મુદ્દામાલ વેચવા જતાં ઝડપાયેલાં પોલીસમેન-ડ્રાઇવર શબ્બીરખાન યાકુબખાન પઠાણે પોલીસ પૂછતાછમાં કબુલાત આપી હતી કે, છેલ્લાં ત્રણેક માસમાં સરકારી ક્વાટર્સમાંથી રૂ.16.54 લાખની કિંમતની 4,135 ઇંગ્લીશ દારૂની બોટલનો જથ્થો વેચી નાખ્યો હતો. પોલીસે ડ્રાઇવર શબ્બીરખાન પઠાણ તથા સંદીપ ઉર્ફે નરિયો સુરેશભાઇ સીસોદીયાની ધરપકડ કરી છે.
જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં ડ્રાઇવર કોન્સ્ટેબલ સહિત ત્રણ શખસની ધરપકડ કરાઇ છે. જ્યારે બુટલેગર ભરત ઉર્ફે મુન્નો તેજસિંહ પરમાર પોલીસના નેટવર્ક બહાર નીકળી ગયો છે. તેની શોધખોળ પોલીસ કરી રહી છે. વસો પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ શબ્બીરખાન પઠાણ વિદેશી દારૂ સાથે પકડાયો હતો. આ દારૂ તેણે મુદ્દામાલમાંથી ચોર્યો હતો. આ કેસની ગંભીરતાના પગલે આગળની વધુ તપાસ માતર સર્કલ પી.આઈ.ને સોંપવામાં આવી છે.






