Mysamachar.in-નડિયાદઃ
રાજ્યમાં વધી રહેલો ગુનાખોરીનો આંક ચિંતાનો વિષય બન્યો છે. જો કે હવે પોલીસ અને જનતા પણ સતર્ક બનતા મહદઅંશે ચોરી જેવી ઘટના બને તે પહેલા જ તેને નિષ્ફળ બનાવવામાં આવે છે. આવી જ એક ઘટના ખેડા જિલ્લાના ઠાસરામાં સામે આવી છે. અહીં બેંક ઓફ ઇન્ડિયાના એટીએમને તોડી ચોરી કરી રહેલા શખ્સોને સ્થાનિકોએ રંગેહાથ ઝડપી પાડ્યા અને પોલીસને જાણ કરી હતી. એટીએમમાંથી અવાજ આવતાં સ્થાનિક યુવકોએ ચેક કર્યું તો કેટલાક શખ્સો એટીએમ તોડવાનો પ્રયાશ કરી રહ્યાં હતા. બાદમાં સ્થાનિક યુવાનોએ પોલીસને જાણ કરી અને તાત્કાલિક પોલીસ સ્ટાફ દોડી આવ્યો અને બે શખ્સોની ધરપકડ કરી, જ્યારે અન્ય બે શખ્સો ફરાર થયા હતા. આ દરમિયાન ફરાર આરોપીને પકડવા માટે પાછળ દોડી રહેલા એ.એસ.આઇ. ખેંગારભાઇ પડી જતા તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, જેઓ હાલ સારવાર હેઠળ છે.