Mysamachar.in-નડિયાદ:
નડિયાદના મહુધામાં સોમવારની રાત્રીએ યુવતીના અપહરણની ઘટના સામે આવી, જો કે આ ઘટનામાં ગામલોકોની સતર્કતા અને યુવતીની હિંમ્મતને કારણે અપહરણકર્તાઓ જેલના સળિયા પાછળ ધકેલાય ગયા. યુવતી મૂળ અમદાવાદની છે, જેને જમીન દલાલ મહિલા સહિત બેથી ત્રણ શખ્સો દ્વારા અપહરણ કરી ડભાણ લઇ જવામાં આવતી હતી, જો કે રસ્તામાં મહુધા પાસે સમયસૂકતા વાપરી યુવતી ભાગી ગઇ અને આસપાસના લોકોને જાણ કરતાં લોકોએ અપહરણકર્તાઓને મેથીપાક ચખાડી પોલીસને સોંપી દીધા હતા.
વાત એવી છે કે નોટબંધી વખતે અમદાવાદના ઈન્દિરા પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત મહેશભાઈ પોપટલાલ સોનીએ બિલ્ડર મિત્ર મુકેશ દેવડાને હાથ ઉછીના બે કરોડ આપી પાવર ઓફ એટર્ની પોતાની એકાઉન્ટન્ટ પુત્રી મનીષાબેનના નામે કરી આપ્યું હતું. જો કે નોટબંધી બાદ 2 નવેમ્બરના રોજ મુકેશ દેવડા પોતાની આઈ 20 કાર લઈને મહેશભાઈને ત્યાં આવ્યો હતો અને રુપિયાની પતાવટ કરી આપવાનો વાયદો કરી જરૂરી કાગળિયા કરવા માટે મનીષાબેનને પોતાની કારમાં કઠલાલ પોતાના ફાર્મ હાઉસમાં લઈ આવ્યો હતો. જ્યાં બે દિવસ સુધી મનીષાબેનને ગોંધી રાખ્યા બાદ વચેટિયા જમીન દલાલ રેખાબેન અને રાકેશભાઈ કે જેઓ અમદાવાદમાં કાલુપુરમાં રહે છે તેમની મદદથી યુવતીને ડભાણ લઈ આવવા જણાવ્યું હતું. જો કે આ દરમિયાન યુવતી મહુધાના ફીણાવ નજીક ભીડભાડને કારણે ગાડી ધીમી પડતાં ગાડીમાંથી કૂદી ગઇ અને તેણીએ સમગ્ર હકીકત ફીણાવના ગ્રામજનોને જણાવી, બાદમાં ગામજનોએ કારમાં બેસેલા રેખાબેન અને રાકેશભાઈને મેથીપાક ચખાડી મહુધા પોલીસને સોંપી દીધા હતા.