Mysamachar.in-સાબરકાંઠા:
સમગ્ર ભારતને 21 દિવસ સુધી કોરોના વાયરસના હાહાકાર ને લઈને લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે હાલમાં સ્થાનિક તંત્ર ઉંધામાથે છે કે ઘરની બહાર નીકળતા લોકો કેમ પણ કરીને રસ્તે આવતા બંધ થાય, અને હોવી જોઈતી જાગૃતિનો કેટલાય નાગરિકોમાં હજુ પણ અભાવ જોવા મળી રહ્યો છે, ત્યારે રાજ્યના નાના એવા ગામે મૃતકના બેસણાને ડીજીટલ સ્વરૂપ આપી અને કોરોના વાયરસના હાહાકાર વચ્ચે ખુબ મોટું કહી શકાય તેવું જાગૃતિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે, આ બેસણું એવા લોકો માટે પણ સંદેશ સમાન છે, જે વિના કારણે ઘરની બહાર નીકળી અને ખોટી કનડગત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, વધુમાં કદાચ દેશનું પહેલું ડીજીટલ બેસણું હશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે,
વાત એવી છે કે પુંસરી ગામમાં જયંતિભાઇ દરજીનું અવસાન થયું હતું. અવસાન અને ત્યારબાદ બેસણામાં સામાન્ય રીતે સગાસંબધીના ધાડેધાડા આવે . પરંતુ અવસાનના દિવસે જ એવો નિર્ણય લેવામાં આવ્યો કે સ્વ. જયંતિભાઇ દરજીના કોઇ પણ સ્વજનો પુંસરી નહીં આવે અને 1 જ દિવસમાં સુતક-બેસણું તમામ લૌકિક ક્રિયા પૂર્ણ કરાશે. જેના ભાગરૂપે ડિજિટલ બેસણું યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ફેસબુક લાઇવ અને વિડિયો કોન્ફરન્સથી યોજાયેલા આ બેસણમાં આજુબાજુનાના ગામમાં રહેતા સ્વજનોએ જ નહીં મુંબઇમાં રહેતા સ્વ. જયંતિભાઇના પુત્ર પણ તે ડિજિટલ બેસણામાં જોડાયા હતા. અંદાજે 150થી વધુ લોકોએ ડિજિટલ બેસણમાં શ્રદ્ધાંજલિ આપી હતી. બેસણાના સ્થળે માત્ર 5 લોકો ઉપસ્થિત રહ્યા હતા.આ સાથે જ પુસંરી ગામ અને સ્વ.જયંતિ દરજીના સ્વજનોએ હાલના સમયમાં ઉત્તમ દાખલો બેસાડ્યો છે. ઉલ્લેખનીય છે કે તલોદ તાલુકામાં આવેલા પુંસરી ગામને ગત વર્ષે દેશનું શ્રેષ્ઠ ગામ જાહેર કરાયું હતું.