Mysamachar.in-અરવલ્લી:
ગત 15 જુલાઈના રોજ અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્પેબલ ઉમેશ ભાટિયાએ ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ ઘટના હજુ તો નજર સમક્ષ છે ત્યાં જ એક LRD મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લેતા પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે, અરવલ્લી જિલ્લાના ભિલોડામાં એક મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ભિલોડાની પોલીસ લાઇનના ક્વાર્ટર ખાતે રહેતા અને એલઆરડી પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા 29 વર્ષીય મંગુબેન નિનામાએ ઘરના પંખા સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો છે. પતિ સાથે ઘરકંકાસને લઈને મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધાનું પોલીસનું માનવું છે. મહિલાના પતિ એસઆરપીમાં ફરજ બજાવે છે. બનાવ બાદ ભિલોડા પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.આ મામલે ભિલોડા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.