Mysamachar.in-નવસારીઃ
કહેવાય છે કે અનુભવથી માણસ મનગમતી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. જો તમારામાં અનુભવ હોય તો તમારે ડિગ્રીની જરૂર પડતી નથી. ફિલ્મોથી લઇને અનેક પુસ્તકોમાં આવડતથી મળેલી મોટી સફળતાની વાર્તાઓ તો તમે જોઇ અને વાંચી હશે. પરંતુ રિયલ લાઇફમાં પણ ઘણા એવા લોકો છે જેઓએ પોતાની આવડતથી દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આવા જ એક છે નવસારીમાં રહેતા હમઝા કાગઝી, જેઓએ મોંઘા પેટ્રોલનો વિકલ્પ શોધી એક એવી બાઇક બનાવી જે પેટ્રોલ વગર ચાલશે.
થોડા સમય પહેલા થ્રી ઇડિયટ નામની ફિલ્મ આવી હતી, આ ફિલ્મમાં મુખ્ય અભિનેતા રેન્ચોએ અનેક એવી શોધ કરી હતી જે સામાન્ય જીવનમાં ખુબ જ મદદરૂપ થાય છે. ગુજરાતના નવસારીમાં રહેતા હમઝા કાગઝીએ પણ આજની મોંઘવારીમાં લોકોને મદદરૂપ થાય એવી શોધ કરી છે. હમઝા કાગઝી અનેક વર્ષોથી ગેરેજમાં કામ કરે છે. રોજ વધી રહેલા પેટ્રોલના ભાવના સમાચાર વાંચી હમઝાએ ઇ બાઇક બનાવવાનો વિચાર કર્યો, પછી શું તે પોતાનો અનુભવ સાથે કામે લાગી ગયો. વર્ષોના મહેનત બાદ તેનું સપનું પૂર્ણ થયું અને તેની ઇ બાઇક તૈયાર થઇ ગઇ.આ ઇ બાઇક પેટ્રોલથી નહીં પરંતુ ઇલેક્ટ્રીકથી ચાલે છે. હમઝાએ બાઇકની ડિઝાઇન પણ સરસ રીતે તૈયાર કરી જે દેખાવે ખુબ જ આકર્ષક લાગી રહી છે. આ ઇ બાઇકના સમાચાર મળતાં જ તેને દૂર દૂરથી ઓર્ડરના ફોન આવવા લાગ્યા છે.
શું છે આ ઇ બાઇકની ખાસીયત ?
હમઝાએ પોતાની જાતે અલગ અલગ જૂના વાહનોના પાર્ટ્સમાંથી તૈયાર કરેલું આ ઇ બાઇક 6 કલાકના ચાર્જિંગ બાદ 60 કિલોમીટર ચાલે છે. 40ની સ્પીડે દોડતી આ ઇ બાઇક 30થી 35 હજાર રૂપિયામાં તૈયાર થઈ છે. હમઝાને હાલમાં જ અલગ અલગ ડિઝાઇનમાં 5 ઇ બાઈક્સ બનાવવાના ઓર્ડર મળ્યા છે. નવસારી જેવા નાના શહેરમાં ઓટો મોબાઈલ વિશેનો અભ્યાસ કર્યા વિના પોતાના અનુભવની મદદથી ઇ બાઇક બનાવી હમઝાએ ડિગ્રી નહીં પણ આવડત હોવી જરૂરી હોવાની વાત સાબિત કરી છે. બીજી બાજુ પ્રદૂષણ અને ટ્રાફિકના આકરા નિયમોથી બચવા માટે ઇ બાઇક મહત્વની સાબિત થઈ શકે છે.