Mysamachar.in-આણંદ:
રાજ્યના આણંદ જીલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરોએ બે જુદા જુદા વિભાગોમાંથી બે લાંચિયા બાબુઓને લાંચ લેતા રંગેહાથ ઝડપી પડ્યા છે, એક જ જીલ્લાના બે અલગ અલગ વિભાગોમાં આ રેડ થતા સપાટો બોલી જવા પામ્યો છે.પ્રથમ કિસ્સાની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાત વિજ કંપની લિમીટેડ તારાપુર પેટા વિભાગીય કચેરીમાં ફરજ બજાવતા દિલીપકુમાર મગનભાઇ વસૈયાએ આ કેસના ફરિયાદી તારાપુર તાલુકાના વલ્લી ગામે જમીન ભાડે રાખી કમળની ખેતી કરતા હતા જેથી ખેતી વિષયક વીજ કનેકશન મેળવવા સારુ તારાપુર મધ્ય ગુજરાત વીજ કંપની લીમીટેડ ખાતે જરૂરી પુરાવા સાથે અરજી કરેલ. જે અરજીની સાથે જરૂરી ફી ભરેલ. જે અનુસંધાને આ નાયબ ઈજનેર આરોપીએ જમીનમાં સ્થળ મુલાકાત કરેલ અને સદરહુ જમીનમાં કોઇ પણ પ્રકારનુ ખેતીકામ થતુ નથી તેમજ આ જમીનમાં કમળના ઉત્પાદન માટે તલાવડી બનાવવામાં આવેલ છે,
જેથી ખેતી વિષયક વીજ જોડાણ ના મળી શકે તેવી નોટીસ આપેલ હોઇ જેથી જે નોટીસ સંદર્ભે ફરીયાદી આરોપીને રૂબરૂ મળતાં જણાવેલ કે તમને વીજ કનેકશન મળવા પાત્ર નથી પરંતુ વીજ કનેકશન જોઇતુ હોય તો તમારે મારો વ્યવહાર કરવો પડશે તેવું જણાવી આ કામ પેટે આરોપી નાયબ ઈજનેરે પ્રથમ 2,00,000 ની લાંચની માંગણી કરેલ. જેથી ફરીયાદીએ વિનંતી કરી કંઇક ઓછું કરવા જણાવતાં રકજકના અંતે છેલ્લે રૂ.60,000 લાંચ પેટે આરોપીએ માંગતા ફરીયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોઇ એસીબીનો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકામાં આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી લાંચના નાણાં સ્વીકારી પકડાઇ ગયો હતો,
જ્યારે બીજા કિસ્સાની વાત કરવામાં આવે તો મામલતદાર કચેરી, આંકલાવમાં ફરજ બજાવતા દિગ્વિજયસિંહ બચુભા જાડેજા મામલતદાર ઑફિસના સ્ટોરરૂમમાં આવેલ ટોયલેટ બાથરૂમમાં લાંચ લેતા ઝડપાયા છે.ઝડપાયેલા નાયબ મામલતદારે ફરીયાદીની વડીલોપાર્જિત જમીનમાં નામો કમી કરવા માટે આ કામના આરોપીએ ફરીયાદી પાસે 10,000 ની લાંચની ,માંગણી કરેલી, જે બાદ રકઝકના અંતે તેઓએ 4000 વ્યવહાર પેટેના નક્કી કરેલા અને હાલ જેટલા હોય તેટલા આપી દેવા જણાવતા ફરિયાદી એ ના છૂટકે 2000 આરોપીને જે તે સમયે આપેલા અને બાકીના રૂ.2000 પછી આપી જવા કહેલું. જે લાંચની રકમ 2000 ફરિયાદી આરોપીને આપવા માંગતા ન હોય, એસીબીનો સમ્પર્ક કરી ફરિયાદ આપતા, ફરિયાદીની ફરિયાદ આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપીએ ફરિયાદી પાસે હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી 2000 ની લાંચ માંગી તે પૈકી 500 ફરિયાદીને પરત આપી દઇ રૂ.1500 ની લાંચ સ્વીકારી પકડાઈ ગયેલ હોય તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.