Mysamachar.in:આણંદ
તસ્કરોની અલગ અલગ મોડસ ઓપરેન્ડી સામે આવતી હોય છે, એવામાં આણંદ જીલ્લાના ઉમરેઠમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ચોરોએ ચોરી કર્યા બાદ ‘ચોરોથી સાવધાન’ એવી ચિઠ્ઠી લખી હતી. નોંધપાત્ર બાબત તો એ છે કે, સમગ્ર ઘટનામાં ચોર પિત્તળ-તાંબા અને ચાંદીના વાસણો, મૂર્તિઓ સહિત કુલ રૂપિયા 13 હજારની મત્તા ચોરી ગયા છે. પરંતુ ચોરી કરીને ગયા બાદ તેઓ ચિઠ્ઠી લખીને ચેતવી જતાં સમગ્ર બાબત ઉમરેઠ પંથકમાં ચર્ચાનો વિષય બની છે.પહેલાં ચોરોએ નાના અક્ષરમાં ચોરોથી સાવધાન લખ્યું હતું. પરંતુ એ પછી તેના પર ચેકો મારીને પછી મોટા અક્ષરે લખ્યું હતું. એ પછી સહી એમ લખીને તેની નીચે અંગ્રેજીમાં ‘એસ’ કે ‘આઠ’ પાડ્યો છે. હાલમાં પોલીસ દ્વારા સમગ્ર બનાવ સંદર્ભે રૂપિયા 13 હજારની ચોરીની ફરિયાદ નોંધીને ચિઠ્ઠી કબજે લઈને તેના અક્ષરોના આધારે તપાસ હાથ ધરી છે.