Mysamachar.in-આણંદ
રાજ્યમાં છાશવારે નકલી માર્કશીટ અને ડીગ્રીઓ આપવાના કૌભાંડનો પર્દાફાશ થતો રહે છે, આવા જ વધુ એક કૌભાંડ પરથી આણંદ પોલીસે પરદો ઊંચકી નાખ્યો છે, આણંદ શહેરના મંગળપુરા વિસ્તારમાં આવેલા અતિથિ એપાર્ટમેન્ટમાં છેલ્લાં ત્રણ માસથી ચાલી રહેલા બનાવટી માર્કશીટ કૌભાંડને આણંદ એસઓજીએ બાતમીના આધારે ઝડપી પાડ્યું છે. પોલીસે વડોદરાના બે સહિત ત્રણ યુવકની ધરપકડ કરી રૂપિયા 23.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આણંદ એસ.ઓ.જીની ટીમને બાતમી મળી હતી કે, આણંદ શહેરના મંગળપુરા વિસ્તારમાં આવેલા અતિથિ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 102માં શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી છે. જેથી આણંદ એસઓજી પોલીસની ટીમે અતિથિ એપાર્ટમેન્ટમાં દરોડા પાડતાં એક શખ્સ મળી આવ્યો હતો. જેની પૂછપરછ કરતાં પોતાનું નામ કનુભાઈ રબારી હોવાનું જણાવ્યું હતું.
પોલીસે ફ્લેટની તલાસી લેતાં સરકારી શૈક્ષણિક સંસ્થાઓના અસલ 16 સર્ટિફિકેટ, 106 બનાવટી સર્ટિફિકેટ, અલગ અલગ નામ સરનામા વાળા 30 ભારતીય પાસપોર્ટ, રોકડ રકમ રૂપિયા 22.50 લાખ, બે મોબાઇલ સહિત કુલ રૂપિયા 23.15 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ઝડપાયેલા કનુભાઈ રજાભાઇ રબારીની સઘન પૂછપરછ કરતા વડોદરાના દાંડિયા બજાર ખાતે રહેતા આદિત્ય ચંદ્રવદન પટેલ દ્વારા તેની ઓળખાણ વડોદરાના ફતેપુરા ખાતે રહેતા હિરેન ઉર્ફે સોનુ ચંદ્રકાંત સાઠમ સાથે થઈ હતી.
હિરેન ઉર્ફે સોનુ આ બનાવટી માર્કશીટો બનાવીને કનુભાઈને આપતો હતો અને કનુભાઈ જરૂરીયાતવાળા લોકોનો સંપર્ક કરી તેમની પાસેથી એક માર્કશીટના રૂપિયા એક લાખથી દોઢ લાખ લઈને માર્કશીટ આપતો હતો. આમ, પોલીસે આ બનાવમાં સંડોવાયેલાં કનુભાઈ રબારી આદિત્ય પટેલ અને હિરેન સાઠમ વિરૂદ્ધ આણંદ શહેર પોલીસ સ્ટેશને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના દરોડોમાં ધોરણ 10 અને ધોરણ 12ની ગુજરાત બોર્ડની માર્કશીટ સરદાર પટેલ યુનિવર્સિટી, એમ.એસ. યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી સહિત નર્સિંગ અને અન્ય પ્રોફેશ્નલ કોર્સની માર્કશીટ મળી આવી હતી.