Mysamachar.in-આણંદ
નોટબંધી બાદ 1000 ના દરની ચલણી નોટો લાંબા સમયથી ચલણમાંથી રદ થઇ ગઈ છે, છતાં પણ રદ થયેલ નોટો લોકો પાસેથી ક્યાંથી આવે છે, તે સમજાતું નથી અને પોલીસ છાશવારે આવી રદ થયેલ નોટોના જથ્થા સાથે લોકોને ઝડપી પાડતી હોય છે, આણંદ જીલ્લાના ખંભાત તાલુકાના બામણવા ગામ નજીક વાહન ચેકિંગ અને પેટ્રોલીંગ દરમિયાન ખંભાત ગ્રામ્ય પોલીસે ભારત સરકાર દ્વારા ચલણમાંથી નાબુદ કરાયેલી રૂપિયા એક હજારના ચલણની એમ કુલ રૂપિયા 7.92 લાખની ચલણી નોટ સાથે કારમાં સવાર ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા હાલમાં નોટ તેઓ ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જતા હતા તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
ખંભાત ગ્રામ્ય પોલીસ નાઈટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે બામણવા ચોકડી પાસે એક કારમાં ચાર શખ્સો આવી પહોંચ્યા હતા. શંકાના આધારે પોલીસે તેમની કાર અટકાવી તપાસ કરતાં કારમાંથી પોલીસને ભારત સરકાર દ્વારા ચલણમાંથી રદ કરાયેલી ચલણી નોટ મળી આવી હતી. તમામ નોટ રૂપિયા એક હજારની હતી. પોલીસે ગણતરી કરતા રૂપિયા 7.92 લાખની કિંમતની હતી. પોલીસે કારમાં સવાર ચાર શખ્સની પુછપરછ કરતા રમેશ હીરા સુથાર (રહે. રાજકોટ), અજીત મોતી ચૌહાણ (રહે. મહેમદાવાદ, જિ. ખેડા), રમેશ પ્રતાપસિંહ પટેલ (રહે. મોરવાહડફ, જિ. પંચમહાલ) અને અલ્પેશ રમેશ ગઢવી (રહે. જામનગર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે મુદૃામાલ કબ્જે લઈ પૂછપરછ હાથ ધરી હતી.