Mysamachar.in-આણંદઃ
કહેવાય છે કે માનવ સેવા એજ સાચી પ્રભુ સેવા છે, હાલમાં જ ઉત્તરાયણનો તહેવાર ગયો, ઉત્તરાયણના દિવસે દાન દેવાથી પુણ્ય મળે છે, પરંતુ ખરા અર્થમાં એક દિવસ દાન દેવા કરતાં એવા લોકોને સલામ કરવી જોઇએ જેઓ 365 દિવસ ગરીબ અને જરૂરિયાતમંદોની સેવા કરી રહ્યાં છે, આવી જ એક આણંદની મહિલા છે, મોનાબેન મોટવાણી આ મહિલાએ દોઢ વર્ષ પહેલા ગરીબ બાળકો માટે સંસ્થા શરૂ કરી હતી, જેમાં તે જરૂરિયાતમંદોને રહેવા, જમવા તેમજ શિક્ષણ સહિતની સુવિધાઓ પુરી પાડે છે. સંસ્થા દ્વારા ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકોને ભોજન તેમજ શિક્ષણ આપવામાં આવે છે. મેડિકલ, એન્જિનિયરના વિદ્યાર્થીઓ તેમજ સિનિયર સિટીઝનો પણ હાલમાં આ સંસ્થા સાથે જોડાયા છે. આ સંસ્થાની કામગીરીથી ખુશ થઇને કેટલાક એનઆરઆઇએ પણ સંસ્થાનો સંપર્ક કર્યો છે.
આણંદના મોનાબેન મોટવાણી એક વર્કિગ વુમન છે. પોતાના કામની સાથે ગરીબ બાળકો માટે કઇક કરવાની ઇચ્છા સાથે દોઢ વર્ષ પહેલા આત્મીય સેવા ચેરીટેબલ ટ્રસ્ટની શરૂઆત કરી હતી. જરૂરિયાતમંદોને પણ રોજગારી મળી રહે તે માટે સંસ્થા તેમની પાસેથી ભોજન બનાવડાવી બાળકોને આપે છે. આણંદના અંદાજિત 400થી વધુ બાળકોને ભોજન, કપડાં તેમજ શિક્ષણ આપી રહી છે. સંસ્થા દર રવિવારે બાળકોને વિશેષ ભોજન આપવામાં આવે છે. જ્યારે દરરોજ સાંજે 4:30થી 6:30 સુધી સ્પેશિયલ ક્લાસ દ્વારા બાળકોને ભણાવવામાં આવે છે. આણંદમાં 400, નડિયાદમાં 300 તેમજ અમદાવાદમાં 150 ગરીબ બાળકોને સંસ્થા દ્વારા શિક્ષણ મેળવી રહ્યા છે. મોનાબેનની સેવાથી પ્રેરાઇને આ ટ્રસ્ટમાં 150થી વધારે લોકો જોડાયા છે. જેમાં વિદ્યાર્થીઓ પણ છે.
આવું આવ્યું છે પરિવર્તન
મોનાબેનનું કહેવું છે કે સંસ્થા શરૂ કર્યા બાદ ગરીબ બાળકોમાં ઘણા પરીવર્તનો આવ્યા છે. શાળાએ ન જતા બાળકો પણ હવે સ્કૂલમાં જઇ રહ્યા છે. જે બાળકો સ્કૂલે નથી જતા તેમને અમે સ્પેશિયલ ટ્યુશન આપીએ છીએ. બાળકોને સિનિયર સિટીઝનના બાકડા પર 4:30થી 6:30 સુધી ભણાવીએ છીએ. હાલમાં અમારા વોટ્સએપ ગ્રુપમાં આણંદ, નડિયાદ તેમજ અમદાવાદના મળીને 150થી વધારે મેમ્બર જોડાયેલા છે. બાળકોના અભ્યાસ માટે અમને ટિચિંગ ગ્રુપ બનાવ્યું છે જેમા એન્જિનિયર, ડોક્ટર્સ તેમજ હાઉસ વાઇફ ભણાવવા માટે આવે છે. હાલમાં નડિયાદ તેમજ અમદાવાદમાં દર રવિવારે બાળકોને ભણાવવામાં આવે છે જોકે થોડાક સમયમાં ત્યાં પણ દરરોજ ભણાવવાનું શરૂ કરીશું. મોનાબેનના આ સેવાભાવી કાર્યમાં વડિલો તથા વિદેશમાં રહેતા ગુજરાતીઓ પણ બનતી મદદ કરી રહ્યાં છે.