Mysamachar.in:ભરૂચ
મોટાભાગના અકસ્માતોમાં કોઈની કોઈની બેદરકારી કારણભૂત હોય, એવાં હજારો કિસ્સાઓ ઘાતક અકસ્માતમાં જાહેર થતાં રહે છે, આમ છતાં જનજાગૃતિનાં અભાવે તથા ટ્રાફિક નિયમો પ્રત્યેની શિસ્તના અભાવે પ્રાણઘાતક અકસ્માતો સર્જાતા રહે છે ! આવો વધુ એક અકસ્માત નોંધાયો છે જેમાં ત્રણ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા છે !
આ અકસ્માત નેશનલ હાઇવે નંબર 48 પર નોંધાયો છે. એક મોડિફાઇ પિકઅપ વાનની છત પર પાંચ મુસાફરો બેઠાં હતાં. આ વાન જૂનાં સરદાર બ્રિજ પરથી પસાર થઈ ત્યારે આ અકસ્માત ભરૂચ નજીક સર્જાયો. આ બ્રિજ પર ભારે વાહનો પસાર ન થાય તે માટે ચોક્કસ ઉંચાઈએ રેલીંગ લગાવવામાં આવી છે.
આ પિક અપ વાન અહીંથી પસાર થતી વખતે વાન પર બેઠેલાં ચાર મુસાફરો ધડામ અવાજ સાથે રેલીંગમાં અથડાયા. આ અકસ્માતમાં બે વ્યકિતઓના ઘટનાસ્થળ પર મોત થયા. ત્રીજી વ્યક્તિનું ઈજાઓને કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું. આમ પિક અપ વાન પર બેઠેલાં કુલ પાંચ પૈકી ત્રણ મુસાફરો મોતને ભેટયા ! વાન ઉપર બેઠેલાં મુસાફરો સાવ ઉપર પહોંચી ગયા !
આ અકસ્માતમાં ઘવાયેલા અન્ય બે મુસાફરોને ભરૂચની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે, અને આ પિક અપ વાન નાં ચાલક વિરૂધ્ધ બેદરકારીથી વાહન ચલાવવાનો ગુન્હો નોંધવામાં આવ્યો છે. આમ જાગૃતિના અભાવે તથા બેદરકારીને કારણે આ ત્રણ મુસાફરોનો ભોગ લેવાયો છે !