Mysamachar.in-ભરૂચ
રાજ્યમાં દિનપ્રતિદિન લુંટ, ચોરી, હત્યા, બળાત્કાર સહિતના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે આજે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ પાસે આવેલી ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સની ઓફિસમાં આજે દિનદહાડે 9 વાગ્યાની આસપાસ કંપનીના કર્મચારીઓને બંધૂક બતાવી બંધક બનાવ્યા બાદ લૂંટની સનસનીખેજ વારદાત સામે આવી છે, જેમાં અંદાજીત કરોડોના સોનાના દાગીના અને રોકડ લૂંટીને લૂંટારા ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના ફાયનાન્સ કંપનીમાં લગાવવામાં આવેલ CCTVમાં કેદ થઇ છે, જે રીતે CCTVમાં જોવા મળે છે તેમ 4 લૂંટારૂઓ ઓફિસમાં પ્રવેશ કરતા દેખાય છે.
અને ત્યાર બાદ 4 લૂંટારૂઓ કર્મચારીઓને બંધુકની અણીએ અંદરની રૂમમાં મોકલી દે છે. બે લૂંટારૂઓના હાથમાં બંધુક અને એક લૂંટારૂના હાથમાં ચાકૂ જોવા મળ્યું હતું અને અંદાજે 4 કરોડના (ચોક્કસ આંક સામે આવ્યો નથી) સોનાના દાગીના અને રોકડ રકમ લૂંટ ચલાવીને લૂંટારાઓ કારમાં ફરાર થઇ ગયા છે. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ છે. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ઘટનાને પગલે શહેર જીલ્લામાં એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે, જો કે સૌથી મોટી અને ચોકાવનારી બાબત હોય તો તે સામે આવી કે ફાઇનાન્સ કંપનીના કયા કર્મચારીઓ પાસે ચાવીઓ અને પાસવર્ડ છે એ સહિતની તમામ માહિતી લૂંટારાઓ પાસે હતી, જેથી આ લૂંટમાં કોઇ જાણભેદુએ રેકી કરીને લૂંટને અંજામ આપવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય ઈલેક્ટ્રોનિક સર્વેલન્સને આધારે લુંટારુઓ સુધી પહોચવા ટીમો દોડતી કરી છે.