Mysamachar.in:વડોદરા
રાજ્યમાં રોજગારીનો મુદ્દો થોડાં થોડાં સમયે ચર્ચામાં આવતો રહે છે. સરકારે જાહેર કર્યું છે કે, રોજગારી આપવામાં ગુજરાત નંબર વનની પોઝિશન પર છે. એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ સ્ટેટીસ્ટીક-2023 નો રિપોર્ટ જણાવે છે કે, એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ મારફતે રોજગારી આપવામાં ગુજરાત નંબર વન રહ્યું છે. પાછલાં 5 વર્ષમાં સરકારે 7,000 ભરતીમેળાઓ યોજ્યા છે. આ ભરતીમેળાઓ મારફતે કુલ 15 લાખ યુવાઓને રોજગારી આપવામાં આવી હોવાનો દાવો રાજ્ય સરકારે કર્યો છે.
શ્રમ અને રોજગાર વિભાગનાં મંત્રી બળવંતસિંહ રાજપૂતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 2022માં 2.74 લાખ યુવાઓને એક્સચેન્જ મારફતે રોજગારી આપવામાં આવી છે. જે સમગ્ર દેશમાં આપવામાં આવેલી રોજગારી પૈકી 43 ટકા છે. અને એ દ્રષ્ટિએ ગુજરાતનો રોજગારી આપવામાં નંબર વન રહ્યો છે. આ ઉપરાંત તેઓએ ઉમેર્યું હતું કે, મહિલાઓને રોજગારી આપવામાં વર્ષ 2022માં ગુજરાત દેશભરમાં બીજા ક્રમે રહ્યું છે.