Mysamachar.in-વડોદરાઃ
આજના જમાનામાં કેટલાક લોકો વગર મહેનતે અને ઝડપથી અમીર બની જવા ઇચ્છે છે, તેમની આ લાલચનો ફાયદો ઉઠાવી કેટલાક લેભાગુ તત્વો અંધશ્રદ્ધાથી પૈસા ખંખેરી લે છે, આવી જ એક ઘટના વડોદરાના સાવલીના ડુગરીપુરા ગામે બની છે, અહીં તાંત્રિક વિધિ કરેલા ઘુવડ સાથે એક વૃદ્ધ સહિત ત્રણ વ્યક્તિઓની વનવિભાગની ટીમે ટ્રેપ ગોઠવીને ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા શખ્સો ગામમાં એવું કહેતા કે આ ઘુવડ તમારા ઘરમાં લાખો-કરોડો રૂપિયાનો વરસાદ કરાવશે. વનવિભાગની ટીમને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો ઘુવડ સાથે સ્મશાનમાં તાંત્રિક વિધિ કરી રહ્યાં છે, ત્યારબાદ આ શખ્સો પર વોચ ગોઠવવામાં આવી, અને છટકું ગોઠવવામાં આવ્યું. જેમાં વનવિભાગના એક વ્યક્તિએ ઘુવડ લઇને ફરી રહેલા એક વૃધ્ધ સહિત ચાર શખ્સોનો સંપર્ક સાધ્યો અને ચાર લાખમાં આ ઘુવડ ખરીદવાનો સોદો નક્કી થયો. જેવા આ શખ્સો ઘુવડ વેચવા આવ્યા કે વનવિભાગની ટીમે ત્રણ શખ્સોની રંગેહાથ ધરપકડ કરી, જ્યારે એક આરોપી ફરાર થઇ ગયો હતો.