Mysamachar.in-
ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSના સંયુક્ત દિલધડક ઓપરેશન દરમિયાન 6 પાકિસ્તાની શખ્સો રૂ. 350 કરોડની કિંમતનાં હેરોઈન સાથે ઝડપાઈ ગયા છે. કોસ્ટ ગાર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે કે, કાલે શુક્રવારે મધરાતે, ચોક્કસ ગુપ્ત માહિતીનાં આધારે કોસ્ટ ગાર્ડના બે ફાસ્ટ શિપ દ્વારા આંતરરાષ્ટ્રીય જળસીમામાં 5 નોટિકલ માઈલ સુધી અંદર ઘૂસી આવેલી એક પાકિસ્તાની બોટને જખૌ બંદરેથી 40 નોટિકલ માઈલ દૂર ઘેરી લેવામાં આવી હતી અને બોટની તલાશી દરમિયાન રૂ. 350 કરોડની કિંમતનો હેરોઈનનો 50 કિલો જથ્થો કબજે લેવામાં આવ્યો છે અને જથ્થા સાથે કુલ 6 પાકિસ્તાની શખ્સોને ઝડપી લઈ નિયમ અનુસાર પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઓપરેશનમાં ગુજરાત ATS ની ટીમ પણ સાથે રહી હતી.આ પાકિસ્તાની શખ્સોનાં જોઈન્ટ ઈન્ટરોડકશન માટે છએય શખ્સોને જખૌ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં તમામ કેન્દ્રીય એજન્સીઓ અને ગુજરાત ATS દ્વારા ડ્રગ્સનાં ડીલરો અને સપ્લાયર પર કડક વોચ રાખવામાં આવી રહી છે. મુંબઈ, જામનગર સહિતના કેન્દ્રો પરથી પણ ઉપરાઉપરી હેરોઈન મળી રહ્યું છે. પેડલરો ઝડપાઈ રહ્યા છે. એ પણ નોંધનીય છે કે, જામનગરમાં ઝડપાયેલ હેરોઈન નું પગેરું મુંબઈ સુધી પહોંચ્યું હતું જેમાં એર ઇન્ડિયાનો એક પૂર્વ પાયલોટ સોહૈલ ગફાર પણ ઝડપાઈ ગયો હોવાનું કાલે શુક્રવારે અત્રે જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત એ પણ નોંધનીય છે કે, ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આ વર્ષના 9 મહિના દરમિયાન આ છઠ્ઠુ મોટું ઓપરેશન છે જેમાં ડ્રગ્સનાં વિશાળ જથ્થા ઝડપાયાં હોય. પાછલાં એક મહિનામાં આ બીજું મોટું ઓપરેશન છે. આ અગાઉ 14 સપ્ટેમ્બરે 40 કિલો હેરોઇન ઝડપી લેવામાં આવ્યું હતું. તે જથ્થો પણ પાકિસ્તાની બોટમાંથી પકડાયો હતો.