Mysamachar.in-સુરતઃ
સુરતમાં વહેલી સવારે ગોજારો અકસ્માત સર્જાયો જેમાં બે બાળકો સહીત ત્રણના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. ડિંડોલી બ્રીજ એક બાઇક પર એક યુવક ત્રણ બાળકોને લઇને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કલ્યાણજી વિઠ્ઠલ મહેતા શાળામાં લઇ જતા હતાં. શહેરના ડિંડોલી બ્રીજ પાસે પૂરપાટ ઝડપે આવતી સિટી બસે આગળ જતી બાઇકને ઠોકર મારી હતી, અકસ્માતમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા જેમાંથી ત્રણનાં મોત નીપજતા ઘટના કરુણ બની હતી. તો અકસ્માત સર્જાયા બાદ સિટી બસ હંકારી ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો. ઘટના બાદ બ્રિજ પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ હતી. મૃતકોમાં 8 વર્ષિય પોનીકર ભાવેશ, 12 વર્ષિય પોનીકર ભુપેન્દ્ર અને તેમના કાકાનું મોત નીપજ્યું છે. જ્યારે ત્રીજો 9 વર્ષનો બાળક પોનીકર સાહિલ ગંભીર ઇજાગ્રસ્ત છે. ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળા એકઠા થયા હતા, સ્થાનિક પોલીસે ગુનો નોંધીને અકસ્માત કરનાર સિટિ બસ ચાલકની શોધખોળ હાથ ધરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ એજ બ્રિજ છે જ્યાં એક વર્ષ પહેલા અકસ્માતને કારણે પાંચ લોકોનાં મોત થયા હતા.