Mysamachar.in-અમદાવાદ:
અમદાવાદ સહિત સમગ્ર રાજયમાં વર્લ્ડકપને કારણે ક્રિકેટ સમાચારોમાં છે અને આગામી રવિવારે અમદાવાદ ખાતે આ વર્લ્ડકપનો ફાઈનલ મેચ રમાવાનો હોય સમગ્ર ગુજરાતમાં જબરી ઉતેજના જોવા મળી રહી છે એ વચ્ચે એવી પણ ખબર છે કે, વડાપ્રધાન તથા અમિત શાહ સહિતના VVIP આ આખરી મુકાબલો નિહાળવા અમદાવાદ આવી રહ્યા છે. જો કે આ અંગે સતાવાર જાહેરાત હવે થશે.
કાલે ગુરુવારે કોલકાતા ખાતેના બીજા સેમી ફાઈનલમાં સાઉથ આફ્રિકાનો પરાજય થતાં હવે રવિવારે આખરી જંગ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખેલાશે તે નક્કી થઈ ગયું છે. આ જંગ ખૂબ જ રોચક હશે કેમ કે, અહીં સુધી પહોંચેલી બેમાંથી એકેય ટીમ ફાઈનલ જિતી વર્લ્ડ ચેમ્પિયન બનવા સ્વાભાવિક રીતે જ કોઈ જ કસર છોડશે નહીં.
એમ પણ માનવામાં આવે છે કે, આ ફાઈનલ મેચ જોવા વડાપ્રધાન ખુદ અમદાવાદ આવવાના છે. જો કે આ ખબરને હજુ સુધી સતાવાર સમર્થન જાહેર થયું નથી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના VVIP પણ આ મેચ જોવા આવશે એમ કહેવાય છે. નેશનલ એજન્સીઓ અને ગુજરાત પોલીસ હાલ અમદાવાદમાં બંદોબસ્ત અને સુરક્ષા મુદ્દે એલર્ટ મોડમાં હોવાનું બહાર આવ્યું છે.
આ અંગે અમદાવાદ પોલીસ કમિશનર મલિકે કહ્યું છે, વડાપ્રધાનનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ હજુ આવ્યો નથી. જો વડાપ્રધાનના આગમન અંગે દિલ્હીથી સૂચનાઓ આવશે તો તે અંગેની સતાવાર જાહેરાત પત્રકાર પરિષદમાં કરવામાં આવશે.
બીજી તરફ એમ પણ કહેવાય છે કે, ભારતે ઓસ્ટ્રેલિયન વડાપ્રધાનને પણ આ ફાઈનલ મેચ જોવા આવવા આમંત્રણ આપ્યું છે, જો કે ભારત અથવા ઓસ્ટ્રેલિયાની સરકારોએ આ અંગે પણ કોઈ સતાવાર સંકેત આપ્યો નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, ન્યુઝીલેન્ડને પરાજિત કરીને ફાઈનલ મેચમાં એન્ટ્રી મેળવનાર ભારતીય ટીમ તથા ગુજરાતભરના ક્રિકેટ રસિકો આ વર્લ્ડકપ ચેમ્પિયનશીપ અંગે ભારે ઉત્સુક છે. જો વડાપ્રધાન આ ફાઈનલ મુકાબલો જોવા અમદાવાદ આવશે તો આ વર્લ્ડકપ ફાઈનલ મેચ ક્રિકેટની દુનિયા માટે ગ્લોબલ ઈવેન્ટ બની રહેશે એમ માનવામાં આવે છે.