Mysamachar.in:અમદાવાદ
સૌરાષ્ટ્ર કચ્છના આવકવેરા વિભાગના અધિકારીઓને ખ્યાલ છે કે, કોરોનાકાળ દરમ્યાન ખાનગી તબીબો ચિક્કાર કમાયા છે અને કોરોના બાદ ઉદ્યોગકારો, રિઅલ એસ્ટેટ ધંધાર્થીઓએ સારી કમાણી કરી છે. આથી વિભાગે ધડાધડ નોટિસ આપવાનું શરૂ કર્યુ છે. કોરોનાની કમાણીનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આવકવેરા વિભાગે સૌરાષ્ટ્ર કચ્છમાં અંદાજે પાંચેક હજાર કરતાં વધુ કરદાતાઓને આવક કરતાં ઓછી કમાણી દેખાડવામાં આવી હોવાની સંભાવનાઓને ધ્યાને લઈ નોટિસ આપી છે. આ ધંધાર્થીઓમાં ખાનગી તબીબો, ઉદ્યોગકારો, બિલ્ડર, સોના ચાંદીના ધંધાર્થીઓ અને અન્યનો સમાવેશ થાય છે. નોટિસ મેળવનારાઓમાં અંદાજે એક હજાર જેટલાં ખાનગી તબીબો હોવાનું બહાર આવ્યું છે. જેને કારણે તબીબી આલમમાં દોડધામ મચી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોનાકાળ દરમિયાન ખાનગી તબીબોએ મોટો ધંધો કરી લીધો હતો. આવકવેરા વિભાગે નાણાંકીય વર્ષ 2020/21ના રિટર્ન ચેક કર્યા પછી આ નોટિસો મોકલી છે.
આવકવેરા વિભાગ દ્વારા આ કરદાતાઓને ઓછી આવક અંગે ખુલાસાઓ પૂછવામાં આવ્યા છે. અને જયાં ટેકસચોરી ધ્યાન પર આવી છે તેઓને તાકીદે ટેકસ ભરવા જણાવાયું છે. આવકવેરા વિભાગે જોયું છે કે, વિવિધ રિટર્નમાં આવકો છૂપાવવામાં આવી છે. વિભાગે એ પણ જોયું છે કે, આ સમયગાળા દરમિયાન રોકડની મોટાપાયે હેરફેર થઈ છે. બેંકોમાંથી આ વિગતો IT ને મળી છે. મોટાં ફાર્મ હાઉસ, મોટાં વાહનો અને જવેલરીની ધૂમ ખરીદીઓ થઈ હોવાનું સૌ જાણે છે પરંતુ આવકવેરા રિટર્ન આવી બાબતો અંગે મૌન છે ! આથી અધિકારીઓએ ઝીણી નજરે રિટર્નની તપાસણી કરી, નોટિસો આપી છે.